અલ્લુ અર્જુનને ૫૦,૦૦૦ રૂપિયાની બે જામીન અને ૫૦,૦૦૦નો વ્યક્તિગત બોન્ડ જમા કરવા માટે નિર્દેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અલ્લુ અર્જુન હાલના દિવસોમાં પોતાની ફિલ્મ ‘પુષ્પા ૨’ના પ્રીમિયર દરમિયાન બનેલી દુર્ઘટનાને લઈને સતત પોલીસ સ્ટેશન અને કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે. આ વચ્ચે હવે આ મામલે જોડાયેલી વધુ એક માહિતી સામે આવી છે. સાઉથના સ્ટાર એક્ટર અલ્લુ અર્જુન કોર્ટના નિર્દેશ બાદ હૈદરાબાદની નામપલ્લી કોર્ટમાં હાજર થયો હતો. કોર્ટના આદેશ મુજબ અલ્લુ અર્જુને ૫૦,૦૦૦ રૂપિયાની બે જામીનને રજૂ કર્યા હતા. ૩ જાન્યુઆરીના રોજ સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં કોર્ટે તેને શરતી જામીન આપ્યા હતા. શરતો અનુસાર તેણે દર અઠવાડિયે કોર્ટમાં હાજર રહેવું પડશે અને સહી કરવી પડશે અને તેને દેશની બહાર મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
અહીં તમને જણાવી દઈએ કે અગાઉ હૈદરાબાદની એક કોર્ટે અલ્લુ અર્જુનને નિયમિત જામીન આપ્યા હતા. કોર્ટે અલ્લુ અર્જુન અને પોલીસ વકીલોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો આદેશ આપ્યો હતો. કોર્ટે અલ્લુ અર્જુનને ૫૦,૦૦૦ રૂપિયાની બે જામીન અને બીજો ૫૦,૦૦૦નો વ્યક્તિગત બોન્ડ જમા કરવા માટે નિર્દેશ આપ્યો હતો.
એક અહેવાલ અનુસાર, જામીનની શરતોના ભાગ રૂપે અલ્લુ અર્જુનને બે મહિના સુધી અથવા ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી દર રવિવારે સવારે ૧૦ થી બપોરના ૧ વાગ્યાની વચ્ચે તપાસ અધિકારી સમક્ષ હાજર થવું પડશે. અભિનેતાને તપાસમાં કોઈપણ પ્રકારની અડચણ ઉભી ન કરવા અને સાક્ષીઓને પ્રભાવિત કરવાનું ટાળવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
કોર્ટે વધુમાં કહ્યું હતું કે અરજદારે તપાસમાં સંપૂર્ણ સહકાર આપવો પડશે અને તે કેસમાં દખલ નહીં કરે અને સાક્ષીઓ પર દબાણ લાવવાનો પ્રયાસ કરશે નહીં. અભિનેતાએ તેના રહેણાંકનું સરનામું બદલતા પહેલા કોર્ટને જાણ કરવી પડશે અને પરવાનગી વિના તેને દેશ છોડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. હકીકતમાં સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં પોલીસે અલ્લુ અર્જુન વિરુદ્ધ FIR નોંધીને તેની ધરપકડ કરી હતી.
પોલીસે અલ્લુ અર્જુનની પૂછપરછ પણ કરી હતી. જોકે, અલ્લુ અર્જુને બધા જ આરોપોને નકારી કાઢ્યા હતા. આ નાસભાગ દરમિયાન એક મહિલાનું મોત થયું હતું. જ્યારે તેનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે હાલ ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. આ મામલામાં અલ્લુ અર્જુન અને પુષ્પા ૨ના નિર્માતાઓએ પીડિત પરિવારને ૨ કરોડ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. અલ્લુ અર્જુને ૧ કરોડ રૂપિયા આપ્યા હતા. જ્યારે મૈથ્રી મૂવિઝ અને ડિરેક્ટર સુકુમારે ૫૦-૫૦ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. ફિલ્મ નિર્માતા અને તેલંગાણા ફિલ્મ વિકાસ નિગમના અધ્યક્ષ દિલ રાજુએ પરિવારને આ વળતર સોંપ્યું હતું.