પોતાના પરિવારને પણ પૂરતો સમય આપવાની વાત અદાણીએ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
એક તરફ ભારતમાં વર્ક એન્વાયર્નમેન્ટ પર ચર્ચા ચાલી રહી છે, તેવા સમયે જાણીતા ઉદ્યોગકાર અને અદાણી જૂથના ચેરમેને પોતાના જીવનમંત્રના કેટલાક રહસ્યો પરથી પડદો ઉચક્યો છે.. ગૌતમ અદાણીનું માનવું છે કે, “જો તમને જે કરો છો તે સારૂ લાગે છે, તો પછી તમારૂ કાર્ય અને જીવન સંતુલન બરાબર છે’
અદાણીએ કહ્યું કે ધ્યાન ધરતી વખતે હું મારા ભૂતકાળને વાગોળુ છું અને મારી જીવનયાત્રાનું સ્મરણ કરૂ છું. આ સ્મરણ બાદ મને અહેસાસ થાય છે કે હું માત્ર કઠપૂતળી છું, અને કોઇ શક્તિ મને હંમેશા સ્ફૂર્તિ અને પ્રેરણા આપી રહી છે. કામને પ્રેમ અને સમય આપવાની વાત સાથે પોતાના પરિવારને પણ પૂરતો સમય આપવાની વાત અદાણીએ કરી હતી. તેમણે જણાવ્યું કે, તમારું કાર્ય-જીવન સંતુલન મારા પર ન લાદવું જોઈએ અને મારૂ તારા પર લાદવું ન જોઈએ. અદાણીએ ઓછામાં ઓછા ચાર કલાક પોતાના પરિવાર સાથે ગાળવાની પણ સલાહ આપી.
ગૌતમ અદાણીએ પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ધારાવી વિશે પણ વાત કરી હતી. અદાણીએ નિર્ધાર વ્યક્ત કર્યો કે હું નિવૃત્તિ પહેલા ધારાવી પ્રોજેક્ટ પૂર્ણ કરવા માંગું છું. તેઓએ કહ્યું કે છેલ્લા ૪૦ વર્ષમાં ત્રણ વખતનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે, પરંતુ હવે એવું કામ કરવાની ઇચ્છા છે કે ૧૦ લાખ લોકોને આગામી ૫૦ વર્ષ સુધી યાદ રહે. અદાણીએ દાવો કર્યો કે, અમે ૨૫ રાજ્યોમાં કામ કરી રહ્યા છીએ, જ્યાં ભાજપ અને કોંગ્રેસ બંનેની સરકાર છે. મહત્વપૂર્ણ છે કે વર્ક-લાઇફ બેલેન્સની ચર્ચાને ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિના એક સૂચનથી વેગ મળ્યો છે.