પૂર્વ ઉપમુખ્યમંત્રી પર ગોળીબારનો મામલો
(સંપૂર્ણ સમાચાર સેવા )
પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને અકાળી દળના વરીષ્ઠ નેતા સુખબિરસિંહ બાદલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બાદલ અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલમાં અકાલ તખ્તે આપેલી સજા ભોગવી રહ્યા છે. તેઓ દરબાર સાહિબના ગેટ પાસે સુરક્ષા જવાનોની સાથે પોતાની વ્હીલચેર પર બેઠા હતા ત્યારે પૂર્વ ખાલિસ્તાની આતંકીએ તેની ગોળી ચલાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જાેકે બાદલની સુરક્ષામાં તૈનાત બહાદૂર પોલીસ જવાનોએ આ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો અને હુમલાખોરે સ્થળ પરથી ખસેડી દીધો હતો. આ દરમિયાન જાેકે ગોળીબાર થયો હતો જેમાં કોઇ જાનહાની નથી થઇ.
પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલ અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલમાં ધાર્મિક સજા કાપી રહ્યા છે. તેઓ આ સજાના ભાગરૂપે મુખ્ય દરવાજા પર સુરક્ષા આપી રહ્યા હતા ત્યારે તેમના પર જીવલેણ હુમલો થયો હતો. નારાણયસિંહ ચૌરા નામના પૂર્વ ખાલિસ્તાની આતંકીએ તેના પર ગોળીબારનો પ્રયાસ કર્યો હતો. આ સમયે સુખબીરસિંહની સુરક્ષા માટે તૈનાત અસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જસબીરસિંહને હુમલાનો અંદાજાે આવી ગયો હતો. જેવો નારાયણસિંહ પોતાની પાસે રહેલી પિસ્તોલ કાઢીને ગોળીબાર કરવા ગયો કે તુરંત જ જસબીરસિંહે તેના હાથ પકડી લીધા હતા અને ઉપર કરી દીધા હતા. જેને પગલે હવામાં ગોળીબાર થયો હતો અને મોટી ઘાત ટળી હતી.
આ હુમલા બાદ રાજ્યના સ્પેશિયલ ડાયરેક્ટર જનરલ અર્પિત શુકલાએ જણાવ્યું હતું કે હુમલાખોર નારાયણ સામે ૨૦થી વધુ ગુનાહિત કેસો દાખલ થયા હતા. ૨૦૦૪માં બુરાઇ જેલ તોડવામાં પણ તેનો હાથ હતો, જેમાં જગતાર અને પરમજીત નામના બે આતંકીઓ ભાગી ગયા હતા. અન્ય એક રિપોર્ટ અનુસાર હુમલાખોર નારાયણ ચૌરા પ્રતિબંધિત સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે જોડાયેલો છે. તે ૧૯૮૪માં પાકિસ્તાન ગયો હતો અને ખાલિસ્તાની આતંકવાદના શરૂઆતના તબક્કામાં પંજાબમાં હથિયારો અને વિસ્ફોટકોની મોટી તસ્કરીમાં પણ તેનો હાથ હતો.
પાકિસ્તાનમાં રહીને તેણે ગુરિલ્લા યુદ્ધ અને દેશદ્રોહી પર એક પુસ્તક પણ લખ્યું હતું. તે પંજાબની જેલમાં સજા પણ કાપી ચુક્યો છે. નારાયણસિંહ ચૌરાને ૨૦૧૩માં તરણતારન જિલ્લાના જલાલાબાદ ગાંવથી ઝડપી લેવાયો હતો, તેની સામે આરોપ છે કે તેણે વર્ષ ૨૦૧૦માં અમૃતસરમાં સિવિલ લાઇંસ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ કર્યો હતો. તે તરણતારન અને રોપડ જિલ્લામાં UAPA માં વોન્ટેડ પણ હતો. જોકે તેને વર્ષ ૨૦૧૮માં જામીન પર છોડી મુકવામાં આવ્યો હતો. તે પૂર્વ મુખ્યમંત્રી બેઅંતસિંહના હત્યારાઓને જેલમાં મળી ચુક્યો છે અને ખાલિસ્તાન પર પુસ્તક લખીને પંજાબના યુવાઓને ભડકાવવાનો પ્રયાસ પણ કરી ચુક્યો છે.