‘અમારે જૂઠ્ઠા વડાપ્રધાનને કેમ સ્વીકારવા પડે છે, તમે આ પદ કેમ નથી લઈ લેતા? : પૂર્વ જજ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પુણેમાં આયોજિત મરાઠા સેવા સંઘના કાર્યક્રમમાં હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ બીજી કોલસે પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતાં તેમને જૂઠ્ઠા વડાપ્રધાન કહ્યું. આ સિવાય તેઓએ નીતિન ગડકરીને વડાપ્રધાનનું પદ સંભાળવાની અપીલ કરી છે. જણાવી દઈએ કે, હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ જ્યારે પોતાની વાત કહી રહ્યા હતાં, ત્યારે નીતિન ગડકરી પણ મંચ પર હાજર હતાં. જોકે, તેઓએ પાટીલના નિવેદનને ઇગ્નોર કરી દીધું. પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તીખી ટિપ્પણી કરતા કહ્યું કે, ‘અમારે જૂઠ્ઠા વડાપ્રધાનને કેમ સ્વીકારવા પડે છે, તમે આ પદ કેમ નથી લઈ લેતા?
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જેવા જ મંચ પર પહોંચ્યા કે, તેઓએ આ પ્રશ્ન પૂછ્યો. પાટીલે નીતિન ગડકરીને કહ્યું તમે પોતાના ભાષણોમાં સમાવેશી દેખાવ છો. જો તમે આ ઈતિહાસ જુઓ તો એક પણ બ્રાહ્મણ સમાવેશી નેતા નથી થયો. તમારી પાસે તક છે, તમે વડાપ્રધાન બની શકો છો. મને તમારી ચિંતા છે. તમને વિનંતી છે કે, ભલે તમે અને હું વૈચારિક રીતે વિરોધી હોઈએ, પરંતુ અમારી પાસે કોઈ વિકલ્પ નથી.
મરાઠા આરક્ષણ પર વાત કરતાં પાટીલે કહ્યું, ‘જો મરાઠાને આરક્ષણ જોઈએ, તો આ કેન્દ્ર સરકાર દ્વારા મળવું જોઈએ. મહારાષ્ટ્રના ૪૮ સાંસદોએ વડાપ્રધાન મોદીને સંદેશ આપવો જોઈએ કે, જો મરાઠાને આરક્ષણ ન આપવામાં ન આવ્યું, તો અમે અમારૂ સમર્થન પાછુ લઈ લઈશું. જો તમામ જૂથ એકજૂટ થઈને દબાણ કરશે, તો કેન્દ્ર સરકાર એક મિનીટમાં આરક્ષણ આપવા માટે તૈયાર થઈ જશે.’
નોંધનીય છે કે, આ કાર્યક્રમ પુણેના બાલગંધર્વ રંગમંદિરમાં મરાઠા સેવા સંઘના અધ્યક્ષ પુરૂષોત્તમ ખેડેકરની ૭૫મી જયંતીના અવસર પર આયોજિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ખેડેકરના સામાજિક યોગદાનના વખાણ કરી તેમના કામોને ઉજાગર કર્યા હતાં. ગડકરીએ ખેડેકરના કાર્યકાળમાં તેમના દ્વારા કરવામાં આવેલા સુધારાત્મક કાર્યો અને સમાજ માટે તેમના યોગદાનની ચર્ચા કરી.