કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેનો દાવો
મહારાષ્ટ્રમાં નવી સરકાર ઘડવાના સમયે એકનાથ શિંદેની તબિયત લથડી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે ની તબીયત ઠીક ન હોવાના કારણે બધી મીટિંગ્સ રદ્દ કરવામાં આવી છે. ડૉક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે.
આ પહેલા શનિવારે પણ એકનાથ શિંદે ની તબીયત અચાનક બગડી હતી, જેના પછી સતારામાં તેમના ઘરે ડૉક્ટરોની એક ટીમ પહોંચી હતી. એકનાથ શિંદે ની તબીયત એવા સમયે બગડી છે, જ્યારે મહારાષ્ટ્રમાં નવી સરકાર ઘડવાને લઈને મંથન ચાલી રહ્યું છે કે છેવટે રાજ્યનો મુખ્યમંત્રી કોણ બનશે?
ખાસ નોંધ કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુક્તિ ગઠબંધનને મોટી જીત મળી છે. મહાયુક્તિમાં સામેલ ભાજપ, શિવસેના અને NCP એ ૨૮૮માંથી ૨૩૦ સીટ જીતી છે. આમાંથી ભાજપે ૧૩૨, શિવસેનાએ ૫૭ અને NCP એ ૪૧ સીટ જીતી છે, જ્યારે તેમના વિરોધી મહા વિકાસ અઘાડી ગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
મહા વિકાસ અઘાડીમાં સામેલ કોંગ્રેસ ૧૬ સીટ, NCP શરદ પવાર ૧૦ સીટ અને શિવસેના ૨૦ સીટ જ જીતી શકી છે. ૨૩ નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ૯ દિવસ વીતી જવા છતાં મુખ્યમંત્રી પદ ને લઈને કોઈ ર્નિણય કરવામાં આવ્યો નથી. દરમિયાન એકનાથ શિંદે એ દાવો કર્યો કે જનતા ઇચ્છે છે કે તે જ મુખ્યમંત્રી રહે. તેમણે કહ્યું કે હું સામાન્ય લોકો માટે કામ કરું છું, હું જનતાનો મુખ્યમંત્રી છું, આ કારણે લોકો માને છે કે મને જ મુખ્યમંત્રી બનવું જોઈએ.
સૂત્રોના કહેવા પ્રમાણે, ચાર ડિસેમ્બરે ભાજપ વિધાયક દળની બેઠક યોજાવાની છે. જેના માટે ભાજપના બધા વિધાયકોને મુંબઈ આવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારબાદ મહાયુક્તિ તરફથી રાજભવન જઈને સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકાશે. નોંધનીય છે કે, ભાજપના એક નેતાએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે, જેઓ ૨ અથવા ૩ ડિસેમ્બરના રોજ યોજાનારી બેઠકમાં ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાશે, એમ ભાજપના એક વરિષ્ઠ નેતાએ દાવો કર્યો હતો. મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, નવી બીજેપી ધારાસભ્ય દળની બેઠક પસંદ કરવા માટેની બેઠક ૨ અથવા ૩ ડિસેમ્બરે યોજાશે.