ખરાબ ક્વોલિટીને કારણે સરકારે બે કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો
સરકારની કાર્યવાહી બાદ બજારમાંથી ગાયબ થઇ જશે ખરાબ ગુણવત્તાની પાવર બેંક
(સંપૂર્ણ સમાચાર સેવા)
સરકારે ચીનથી આવતી ખરાબ ક્વોલિટીની પાવર બેંક પર મોટો નિર્ણય લીધો છે. આ પાવર બેંકની આયાત રોકવા સરકારે કેટલાક પગલાં ભર્યાં છે. આ પાવર બેંક સુરક્ષા માનકો પર ખરી ન રહેવાના અને વાસ્તવિક ક્ષમતા કરતાં ૫૦-૬૦ ટકા ઓછી કામગીરી કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સરકાર આ પ્રકારની હલકી પાવર બેંકના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પાવર બેંક જેટલી ક્ષમતા બતાવવામાં આવે છે તેના કરતાં ઓછી કામગીરી કરી રહી છે.
રિપોર્ટ મુજબ, ચીનથી આયાત કરવામાં આવતી પાવર બેંકથી બે વાર મોબાઈલ સંપૂર્ણ ચાર્જ કરી શકાય છે, પરંતુ તેઓ માનકો પર ઊભા નથી રહી રહ્યા અને માત્ર એક વખત જ મોબાઈલને ચાર્જ કરી શકે છે. બજારમાં વધતી સ્પર્ધાને ધ્યાનમાં રાખીને ઘણી ભારતીય કંપનીઓ આ ચીની સપ્લાયર્સ પાસેથી ખરાબ લિથિયમ-આયન સેલ ખરીદી રહી છે. BIS એ તાજેતરમાં બે ચીની સપ્લાયર્સ – ગૌઆંગડોંગ ક્વાસુન ન્યૂ એનર્જી ટેક્નોલૉજી કંપની અને ગંઝોઉ નોવેલ બૅટરી ટેક્નોલૉજી પર પ્રતિબંધ મૂક્યો છે. આ બંને સપ્લાયર્સ નું રજિસ્ટ્રેશન રદ્દ કરી દેવામાં આવ્યું છે.
ઉપરાંત, એક અન્ય સપ્લાયર ગંઝોઉ તાઓયુઆન ન્યૂ એનર્જી કંપની ભારતીય ધોરણ બ્યૂરોના રડાર પર છે. અધિકારીઓએ ઓપન માર્કેટમાંથી આ કંપનીઓના પાવર બેંકની તપાસ કરી હતી, જેમાં જણાયું કે મોટાભાગની પાવર બેંક તેની ક્ષમતાના દાવાઓ કરતાં ઘણી ઓછી શક્તિશાળી હતી. આ તપાસમાં જણાયું કે ૧૦,૦૦૦MAH બૅટરી ક્ષમતા ધરાવતા ઘણા પાવર બેંકની વાસ્તવિક ક્ષમતા માત્ર ૪,૦૦૦ થી ૫,૦૦૦ MAH હતી. ઉદ્યોગ સાથે જોડાયેલ એક અધિકારીએ જણાવ્યું કે પાવર બેંકમાં વપરાતી ખરાબ ગુણવત્તાની લિથિયમ સેલ બજારમાં આવી રહી છે. આવી સ્થિતિમાં વપરાશકર્તાઓએ આ પાવર બેંક ખરીદતી વખતે સાવચેત રહેવાની જરૂર છે.
ચીની કંપનીઓ નિયમોના લૂપ-હોલ્સનો ફાયદો ઉઠાવીને ખરાબ ગુણવત્તાની પાવર બેંક બજારમાં આયાત કરી રહી છે. ભારતીય ધોરણ બ્યૂરો પાસે ઉપકરણની સલામતી માટે ધોરણો છે, પરંતુ ક્ષમતાની તપાસ માટે કોઈ ધોરણ નથી. આવી સ્થિતિમાં ચીની સપ્લાયર્સ તેનો ફાયદો ઉઠાવીને બીજા દરજ્જાના પાવર બેંક આયાત કરી રહ્યા છે.
ખરાબ ગુણવત્તાની બૅટરી વાપરવાના કારણે કંપનીઓનો ખર્ચ ઓછો થઈ રહ્યો છે. કંપનીઓ સારા નમૂનાઓ મ્ૈંજી ને મોકલી રહી છે, જેથી તેઓ સુરક્ષા ધોરણો પર ઊભા રહી શકે, પરંતુ બજારમાં ઘટિયા ગુણવત્તાની બૅટરી વાળા પાવર બેંક વેચી રહી છે. આ રીતે કંપનીઓને ૨૫ ટકા સુધી ખર્ચ ઓછો આવી રહ્યો છે. ખરાબ ગુણવત્તાના કારણે પાવર બેંક માં વપરાતી બૅટરીની ક્ષમતા પણ ઓછી થઈ જાય છે. સામાન્ય રીતે ૧૦,૦૦૦ MAH ની લિથિયમ આયન બૅટરીની કિંમત પ્રતિ સેલ ૨૦૦ થી ૨૫૦ રૂપિયા વચ્ચે હોય છે. ચીની સપ્લાયર્સ તેને ૧૫૦ રૂપિયામાં વેચી રહ્યા છે. સરકારની કાર્યવાહી બાદ બજારમાંથી ખરાબ ગુણવત્તાની પાવર બેંક ગાયબ થઈ જશે, જેનો વપરાશકર્તાઓને ફાયદો થશે.