હરદોઈ જિલ્લાનો એક રમુજી કિસ્સો
(સંપૂર્ણ સમાચાર સેવા)
હરદોઈ જિલ્લામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેના વિશે જાણીને તમારું હસવું રોકાશે નહીં. ખરેખર, ૧૦ રૂપિયામાં અહીં પોલીસ બોલાવવી પડી હતી. કારણ કે દોઢ વર્ષ પહેલા એક વ્યક્તિએ દુકાનદાર પાસેથી ૧૦ રૂપિયાના ગુટખા ખરીદ્યા હતા. ગુટખા ખરીદવાને બદલે તેણે પૈસા આપ્યા ન હતા અને આ ઉધારી બાકી રહી ગઈ હતી. વ્યક્તિ દોઢ વર્ષથી આ ગુટખાના પૈસા ચૂકવી શક્યો ન હતો, જેના કારણે પીડિત દુકાનદારે પોલીસને બોલાવી લીધી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
કોઈપણને ઉધાર કે ઉછીના પૈસા આપેલા હોય અને તે પરત આપવામાં આનાકાની કરતો હોય તો તેની વિરુદ્ધ પોલિસ ફરિયાદ થઈ શકે છે. પરંતુ શું તમને ખબર છે હરદોઈ જિલ્લાના સાંદી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, એક અપંગ દુકાનદારે દોઢ વર્ષથી બાકીના ઉધાર તરીકે ૧૦ રૂપિયા ન મળતાં ૧૧૨ નંબર ડાયલ કર્યો હતો. ફરિયાદ મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ અજીબોગરીબ વિવાદમાં પોલીસ પહોંચતી હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અહીં ગામમાં જ જીતેન્દ્ર નામનો વ્યક્તિ કરિયાણાની દુકાન ચલાવે છે. તે પોતાની દુકાનમાં પાન મસાલો રાખે છે. જિતેન્દ્રનો આરોપ છે કે તેના ગામના સંજય નામના વ્યક્તિએ દસ રૂપિયાના ગુટખા લીધા હતા અને જ્યારે પણ તે પૈસા માંગતો ત્યારે ત્યારે તે પૈસા આપતો ન હતો અને ધીરે ધીરે આ પૈસાની ઉધારીના દોઢ વર્ષ થઈ ગયા હતા. શનિવારે સંજય ફરી એકવાર જીતેન્દ્રની પાન મસાલાની દુકાને પહોંચ્યો હતો. આ દરમિયાન તેમની પાસેથી બાકી રકમની માંગણી કરવામાં આવતા તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સંજયે ફરી જીતેન્દ્રને પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી. સંજયે પૈસા આપવાની ના પાડતાં જિતેન્દ્ર ગુસ્સે થઈ ગયો અને પોલીસને ફોન કર્યો.
ફોન કર્યા બાદ તેણે જણાવ્યું કે તેની દુકાન પર એક વ્યક્તિ ઘણા સમયથી પૈસા નથી આપી રહ્યો. એટલું જ નહીં તે વિવાદ પણ સર્જી રહ્યો છે. કંટ્રોલ રૂમમાંથી માહિતી મળ્યા બાદ પીઆરવીમાં તૈનાત પોલીસકર્મીઓ તેની દુકાને પહોંચ્યા. પોલીસકર્મીઓએ બંનેની વાત ધ્યાનથી સાંભળી. આખરે સંજયે કબૂલ્યું કે તેણે દોઢ વર્ષ પહેલાં ૧૦ રૂપિયાનો પાન મસાલો ખરીદ્યો હતો. સંજયે દુકાનદારના પૈસા પરત કર્યા. હવે બંને લોકો વચ્ચેના વિવાદનો અંત આવ્યો છે. સમગ્ર મામલો સાંભળ્યા બાદ પોલીસકર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.