યૂરોપીય સ્પેસ એજન્સી સાથે મળી સોલર મિશનને આગળ વધારવાની દિશામાં પગલું ભર્યું
આ લોન્ચિંગથી ભારતના સોલર મિશનને નવી દિશા મળવાની આશા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈસરોએ ફરી એક વાર ઈતિહાસ રચી દીધો છે. ઈસરોએ યૂરોપીય સ્પેસ એજન્સીના PROBA -૩ મિશનને સફળતાપૂર્વક લોન્ચ કરી દીધું છે. PSLV – C59 લોન્ચ વ્હીકલની મદદથી આ મિશનને ઓરબિટમાં સ્થાપિત કર્યું છે. તેની સાથે બે સ્પેસક્રાફ્ટને સ્પેસમાં મોકલવામાં આવ્યા છે. ઈસરોએ મિશનના લોન્ચિંગને સફળ ગણાવતા કહ્યું કે, આ NSIL ,ESA અને ઈસરોની ટીમના સંયુક્ત પ્રયાસ અને સમર્પણને દર્શાવે છે.
ESA ના PROBA -૩ મિશનને લોન્ચ કરવાનું હતું, પણ લોન્ચ વ્હીકલમાં ટેકનિકલી ખરાબી આવવાના કારણે તેનું લોન્ચિંગ ટાળી દેવામાં આવ્યું હતું. ત્યારે શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PROBA -૩ મિશનને સફળતાપૂર્વક અંતરિક્ષની કક્ષામાં પ્રસ્થાપિત કરી દેવામાં આવ્યું છે. પ્રોબો-૩ મિશન સાથે બે ખાસ સ્પેસક્રાફ્ટને પણ લોન્ચ કરવામાં આવ્યા છે. જેના દ્વારા સ્પેસ રિસર્ચ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ ગતિવિધિઓને પાર પાડવામાં આવશે. ઈસરો અને યૂરોપિય સ્પેસ એજન્સીનો આ સંયુક્ત પ્રયાસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં માઈલ સ્ટોન સાબિત થઈ શકશે.
ઈસરો અને યૂરોપીય સ્પેસ એજન્સીનું PROBA -૩ મિશન ખૂબ ખાસ છે. હકીકતમાં જોઈએ તો, PSLV – C59 મદદથી પ્રોબા-૩ મિશન સાથે બે સ્પેશિયલ સ્પેસક્રાફ્ટને પણ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું છે. કોરોનાગ્રાફ સ્પેસક્રાફ્ટ અને ઓક્યુલ્ટર સ્પેસક્રાફ્ટની મદદથી અંતરિક્ષમાં રિસર્ચને પ્રોત્સાહન મળશે. આ લોન્ચિંગથી ભારતના સોલર મિશનને નવી દિશા મળવાની આશા છે.
દુનિયાના તમામ દેશ સૂર્યનું અધ્યયન કરવાની કોશિશમાં લાગેલા છે. તેમાં અમેરિકાની નાસા પણ સામેલ છે. આ સૌની વચ્ચે ઈસરોએ યૂરોપીય સ્પેસ એજન્સી સાથે મળીને સોલર મિશનને આગળ વધારવાની દિશામાં પ્રોબા-૩ મિશનને લોન્ચ કર્યું છે.