ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબીનું પ્રમાણ સૌથી વધુ ઘટ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતનો ગરીબી રેશિયો છેલ્લા ૧૨ વર્ષમાં ૨૦ ટકાથી વધુ ઘટ્યો હોવાનો દાવો SBI રિસર્ચ રિપોર્ટમાં થયો છે. ૨૦૧૧-૧૨માં દેશમાં ગરીબીનો દર ૨૫.૭ ટકા હતો, જે ઘટી નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૪.૮૬ ટકા થયો છે. તદુપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં શહેરોની તુલનાએ ગરીબીનું પ્રમાણ સૌથી વધુ ઘટ્યું છે.
SBI રિસર્ચ રિપોર્ટ અનુસાર, દેશમાં ગરીબી ઘટવા પાછળનું કારણ આવકમાં વધારો છે. આવક વધતાં લોકોની ખરીદી શક્તિ વધી છે. પરિણામે ઘણા લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા છે. ૨૦૨૧ની વસ્તી ગણતરી બાદ ગરીબીમાં ઘટાડાનું પ્રમાણ વધવાની શક્યતા છે. ગરીબી દર ૪ થી ૪.૫ ટકા આસપાસ રહી શકે છે. ગરીબીનું પ્રમાણ શહેરમાં ૪.૦૯ ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં ૫ ટકાનો ઘટાડો થયો છે. શહેરી વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રામીણ વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી વધતાં લોકો સરળતાથી અન્ય શહેર-ગામમાં રોજગારી મેળવતા થયા છે.
ગ્રામીણ વિસ્તારમાં આવકમાં અસમાનતા ઘટી છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજનાઓના કારણે ગરીબીમાં નોંધનીય ઘટાડો નોંધાયો છે. આ યોજનાઓના કારણે ખેડૂતોની આવક અને ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થયો છે. પરિણામે લોકોની ખરીદી શક્તિ વધી છે. આવકમાં પણ વૃદ્ધિ સાથે ઘણા લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા છે. ઑક્ટોબરમાં મોંઘવારીમાં વધારો નોંધાયો બાદ નવેમ્બરમાં ફુગાવો ૫.૪૮ ટકા નોંધાયો હતો. જે આરબીઆઈના ટોલેરન્સ રેટ(૪થી ૬ ટકા)ની રેન્જમાં છે. RBI એ ફુગાવો અને GDP ના આંકડાઓને ધ્યાનમાં રાખતાં ડિસેમ્બરમાં વ્યાજના દર જાળવી રાખ્યા હતા.