પંજાબની ઘટના બાદ બોલ્યા કેજરીવાલ
‘પંજાબ પોલીસના કારણે એક મોટી દુર્ઘટના થતી બચી ગઈ’
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંજાબમાં શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પર ગોળી ચલાવવાની ઘટના બની હતી. જેમાં સુખબીર સિંહ બાદલનો જીવ બચી ગયો હતો. દરમિયાન દિલ્હી વિધાનસભામાં આ મુદ્દે બોલતા અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે દિલ્હી વિધાનસભામાં કહ્યું, ‘પંજાબ પોલીસના કારણે એક મોટી દુર્ઘટના થતી બચી ગઈ છે. હું પંજાબ પોલીસની પ્રશંસા કરું છું. પંજાબને બદનામ કરવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે.
આ ઘટના બાદ સમગ્ર ભાજપ અને મીડિયાએ પંજાબમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે.તેઓ પંજાબની એક ઘટના પર સવાલ ઉઠાવી રહ્યા છે, પરંતુ જ્યારે દિલ્હીમાં હત્યા અને ખંડણીના કોલ આવી રહ્યા છે ત્યારે તેઓ કહી રહ્યા છે કે દિલ્હીમાં આ કોઈ મુદ્દો નથી. ગૃહમંત્રીના ઘરની ૧૦-૧૫ કિમીની રેન્જમાં સેંકડો ઘટનાઓ બની રહી છે. શું VIP ની સુરક્ષા જરૂરી છે અને સામાન્ય માણસની સુરક્ષા જરૂરી નથી?
તેમણે વધુમાં કહ્યું કે, ‘જ્યારથી અમિત શાહ ગૃહમંત્રી બન્યા છે ત્યારથી દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. હું લાંબા સમય સુધી મૌન રહ્યો પણ હવે નહીં. હું દિલ્હીના વિવિધ વિસ્તારોમાં જઈ રહ્યો છું, જ્યાં પણ ઘટનાઓ બને છે. દિલ્હીની દરેક ગલીમાં ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. હું તમને કહું છું કે આ ડ્રગ્સ ક્યાંથી આવી રહ્યુ છે. દિલ્હીમાં ઘણી જગ્યાએ ડ્રગ્સના મોટા કન્સાઈનમેન્ટ મળી આવ્યા હતા. આ ડ્રગ્સ ગુજરાતમાંથી આવ્યું હતું.
ચૂંટણી પંચે પણ કહ્યું છે કે ગુજરાત ડ્રગ્સનું હબ બની ગયું છે. વડોદરાના અંકલેશ્વરમાં દવાની ફેક્ટરી આવેલી છે. મુન્દ્રા પોર્ટ પરથી હજારો કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે.અરવિંદ કેજરીવાલે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ૨.૫ લાખ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ ડ્રગ્સ દરિયાઈ માર્ગે ગુજરાતમાં પહોંચે છે, ત્યાં એક ફેક્ટરી ઉભી કરવામાં આવે છે, ત્યારબાદ તૈયાર કરેલી દવા અહીંથી આખા દેશમાં મોકલવામાં આવે છે.તેમણે કહ્યું કે, સમગ્ર દેશમાં ડ્રગ્સ પર નિયંત્રણ રાખવાની જવાબદારી ગૃહમંત્રીની છે. ગુજરાત અમિત શાહનું ગૃહ રાજ્ય છે. મુંદ્રા પોર્ટ અમિત શાહના મિત્રનું છે. સરકારની મિલીભગત વિના આ ડ્રગ્સનો વેપાર શક્ય નથી. હવે સવાલ એ થાય છે કે શું આ મિલીભગત સરકારના ઉચ્ચ સ્તર સાથે તો નથીને?
તેમણે કહ્યું, ‘હું આજે એ વાત જાહેર કરવા માંગુ છું કે જ્યારે હું સીએમ બન્યો ત્યારે મારા પર દિલ્હીની વીજળી અદાણીને સોંપવાનું દબાણ હતું. મેં એવું નથી કર્યું. જાે તેણે આમ કર્યું હોત તો તે આજે દિલ્હીના લોકોને મફત વીજળી આપી શક્યા ન હોત અને ન તો દિલ્હીના લોકો વીજળીનું બિલ ચૂકવી શક્યા હોત.
હવે મને ખબર પડી રહી છે કે કદાચ મેં દિલ્હીની વીજળી અદાણીને ન આપી હોવાથી મને જેલમાં મોકલવામાં આવ્યો હતો. હું બે દિવસ પછી મોટો ખુલાસો કરીશ. હું તમને કહીશ કે ભાજપના લોકો ચૂંટણી કેવી રીતે જીતે છે? મારી પાસે પુરાવા અને સાક્ષીઓ પણ છે. હું તમને જણાવીશ કે તેઓ મહારાષ્ટ્રમાં ચૂંટણી કેવી રીતે જીત્યા?