CBI અધિકારી તરીકે ઓળખ આપી પડાવ્યા ૯૯ હજાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભૂતપૂર્વ ફેમિના મિસ ઈન્ડિયા શિવંકિતા દીક્ષિત સાઈબર ફ્રોડનો શિકાર બની હતી. ઠગએ તેને લગભગ બે કલાક સુધી વીડિયો કોલ પર ડિજિટલ અરેસ્ટમાં રાખી અને પછી ૯૯ હજાર રૂપિયા પડાવ્યા હતા. ઠગે શિવાંકિતાને મની લોન્ડરિંગ અને બાળકોના અપહરણના પૈસા તેના ખાતામાં આવ્યા હોવાનું કહીને તેને ફસાવીને તેની પાસેથી પૈસા પડાવ્યા હતા. હાલમાં તેણે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે.
આગ્રાના માનસ નગરની રહેવાસી શિવંકિતા દીક્ષિત વર્ષ ૨૦૧૭માં ફેમિના મિસ ઈન્ડિયા પશ્ચિમ બંગાળ રહી ચૂકી છે. ત્યારે તેને અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ CBI અધિકારી તરીકે આપી હતી. તેણે શિવાંકિતાને કહ્યું કે તમારા આધાર કાર્ડ સાથે નોંધાયેલા સિમ પર દિલ્હીમાં બેંક ખાતું ખોલવામાં આવ્યું છે. માનવ તસ્કરી, મની લોન્ડરિંગ અને બાળકોના અપહરણ માટે ખંડણીની રકમ આ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે.
શિવંકિતા દીક્ષિતના જણાવ્યા અનુસાર – વીડિયો કોલ પર એક વ્યક્તિ પોલીસના ડ્રેસમાં જાેવા મળ્યો હતો. તેના યુનિફોર્મ પર ત્રણ સ્ટાર હતા. પાછળ સાયબર પોલીસ દિલ્હી પણ લખેલું હતું. એક પછી એક ચાર અધિકારીઓ સાથે વાત કરવામાં આવી. મહિલા અધિકારી સાથે પણ વાત કરી. તેમણે કહ્યું કે આ મામલાને વહેલી તકે ઉકેલવો જાેઈએ નહીંતર ધરપકડ બાદ તમારે જેલમાં જવું પડશે.
આ દરમિયાન શિવાંકિતા લગભગ બે કલાક સુધી વીડિયો કોલ પર સામેના વ્યક્તિના કહેવા મુજબ કરતી રહી. જેમાં શિવાંકિતાએ છેતરપિંડી કરનારના એકાઉન્ટમાં ૯૯,૦૦૦ રૂપિયા ઓનલાઈન મોકલ્યા. જયારે શિવંકિતાએ કહ્યું કે ઓનલાઈન ટ્રાન્સફરની લિમીટ પૂરી થઈ ગઈ છે, ત્યારે છેતરપિંડી કરનારે અન્ય કોઈ પાસેથી પૈસા ટ્રાન્સફર કરવાનું પણ કહ્યું હતું.શિવંકિતાએ જણાવ્યું કે મેં પહેલા ૧૯૩૦ હેલ્પલાઈન પર કોલ કરીને ફરિયાદ કરી અને પછી ઈમેલ દ્વારા સાયબર ક્રાઈમ સેલને ફરિયાદ મોકલી.