રાજ્યપાલ સી.પી રાધાકૃષ્ણનને મળીને પત્ર સોંપ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના માટે રસ્તો સાફ થઈ ગયો છે. મહાયુતિ તરફે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે એકનાથ શિંદેએ રાજ્યપાલ સી.પી રાધાકૃષ્ણનને મળીને પત્ર સોંપીને સરકાર રચવાનો દાવો કર્યો હતો. સરકાર બનાવવાનો દાવો કર્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદે અને અજિત પવારનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે બંને સહયોગીઓએ તેમને ટેકો આપ્યો અને સરકાર બનાવવામાં મદદ કરી, આ માટે આભાર. દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો હતો કે મહાયુતિ સરકાર આગામી પાંચ વર્ષમાં મહારાષ્ટ્રને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે કામ કરશે.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, માનનીય રાજ્યપાલને મળ્યો છું અને ભાજપ, શિવસેના, એનસીપી અને ધારાસભ્યોના સમર્થનના પત્રો રાજ્યપાલને સોંપ્યા છે. હું એકનાથ શિંદેનો આભાર વ્યક્ત કરું છું. તેમણે મુખ્યમંત્રી માટે મારા નામની ભલામણ કરી હતી. આ સાથે જ પ્રેસ કોન્ફરન્સમાં અજિત પવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં વિકાસની વાત થશે અને નવી સરકારનું ફોકસ માત્ર વિકાસ પર રહેશે. સાથે જ તેમણે કહ્યું કે છેલ્લા અઢી વર્ષમાં ત્રણેય મળીને ર્નિણયો લીધા છે. ભવિષ્યમાં પણ મહારાષ્ટ્રની તરફેણમાં સંકલનથી કામ કરવામાં આવશે.