કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ભાજપ પર લગાવ્યા આરોપ
દેશમાં ગોલ્ડ લોન લેનારોની સંખ્યામાં વધારો
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાલમાં જ એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં એ વાત સામે આવી છે કે ગોલ્ડ પર લોન લેનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે અને હવે આ લોકો તેમની EMI ચૂકવવામાં પણ અસમર્થ છે. જેને લઈને કોંગ્રેસ ભાજપ સરકાર પર પ્રહાર કરી રહી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે મોદી સરકારના ખોટા ર્નિણયોના કારણે દેશમાં ગોલ્ડ લોન સંબંધિત NPA ની સમસ્યા ગંભીર બની ગઈ છે, જેના કારણે સામાન્ય નાગરિકો તેમનું ગોલ્ડ ગુમાવી રહ્યા છે.
કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે લોકસભા ચૂંટણી સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા નિવેદનને ટાંકીને આ આરોપ લગાવ્યો હતો. જયરામ રમેશે કહ્યું કે, ‘ખોટી પ્રાથમિકતાઓને કારણે આ સરકાર મહિલાઓ પાસેથી મંગળસૂત્ર છીનવનારી એકમાત્ર સરકાર બની છે.’ કોંગ્રેસે આરોપ લગાવ્યો કે, ‘મોદી સરકાર પાસે દેશમાં ચાલી રહેલા આર્થિક સંકટનો કોઈ ઉકેલ નથી. સરકાર હવે લોકોના મંગળસૂત્રની ચોરી કરી રહી છે. ખોટી પ્રાથમિકતાઓને કારણે આ સરકાર મહિલાઓ પાસેથી મંગળસૂત્ર છીનવનારી એકમાત્ર સરકાર બની છે.
એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ‘જૂન ૨૦૨૪ સુધીમાં બેન્કો અને નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓની ગોલ્ડ લોન એનપીએ (નોન-પરફોર્મિંગ એસેટ્સ) ૩૦% વધીને રૂ. ૬૬૯૬ કરોડ થઈ ગઈ છે.’ કોંગ્રેસે આ અહેવાલને પોતાનું હથિયાર બનાવ્યું છે અને કહ્યું છે કે દેશની સ્થિતિ હાલ ચિંતાજનક છે.
જયરામ રમેશે દાવો કર્યો હતો કે, ભારતીય પરિવારોએ લગભગ ૩ લાખ કરોડ રૂપિયાની ગોલ્ડ લોન લીધી છે, જેમાંથી મોટાભાગની લોન હજુ ચૂકવવાની બાકી છે. આથી કોંગ્રેસનું માનવું છે કે જ્યારે લોકો આવી લોન ચૂકવવામાં અસમર્થ હોય છે, ત્યારે તેઓએ તેમની સોનાની સંપત્તિ ગુમાવવી પડે છે. મોટા ભાગના કિસ્સાઓમાં, મહિલાઓની જ્વેલરી હોય છે, જેમાં મંગળસૂત્રનો પણ સમાવેશ થાય છે.
લોકસભા ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશના અલીગઢમાં રેલીમાં વડાપ્રધાન મોદીએ એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, દેશની સંપત્તિ લૂંટવાને પોતાનો જન્મસિદ્ધ અધિકાર માનતી કોંગ્રેસ હવે મહિલાઓના મંગળસૂત્ર પર નજર કરી રહી છે. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો લોકોની સંપત્તિ છીનવીને જરૂરિયાતમંદોમાં વહેંચવાની વાત કરે છે. પીએમ મોદીએ કહ્યું કે જો તમારી પાસે બે ઘર છે, જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તેમાંથી એક છીનવી લેશે અને જેમની પાસે ઘર નથી તેમને આપી દેશે. ચૂંટણી દરમિયાન PM મોદીએ એવો દાવો પણ કર્યો હતો કે, કોંગ્રેસની નજર હવે અમારી માતાઓ અને બહેનોના સોના પર અને તેમના મંગલસૂત્ર પર છે અને તે કાયદો બદલીને માતા-બહેનોની સંપત્તિ છીનવી લેવાની રમત રમી રહી છે.