ભાજપ સાસંદએ રાહુલ ગાંધીને “સર્વોચ્ચ રાષ્ટ્ર વિરોધી” ગણાવ્યા
રાહુલ ગાંધી દેશ વિરોધી હોવાનો ભાજપે લગાવ્યો ગંભીર આરોપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાહુલ ગાંધી દેશ વિરોધી હોવાનો ગંભીર આરોપ ભારતીય જનતા પાર્ટીએ લગાવ્યો હતો. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા ભાજપના પ્રવક્તા અને સાસંદ સંબિત પાત્રાએ રાહુલ ગાંધીને “સર્વોચ્ચ રાષ્ટ્ર વિરોધી” ગણાવ્યા હતા. પાત્રાએ આક્ષેપ કર્યો કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય વ્યક્તિઓ વચ્ચેની વાતચીતમાં કાયમ ભારત વિરોધ વિચારો વ્યક્ત થાય છે. ભાજપ સાંસદ અને પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, એક એવી ત્રેખડ છે જે ભારત વિરોધી કાવતરાં કરે છે. આ ત્રેખડમાં એક તરફ અમેરિકાસ્થિત જ્યોર્જ સોરોસ, તેનું ફાઉન્ડેશન તેમજ કેટલીક અમેરિકન એજન્સીઓ છે અને તેમાં સૌથી અગત્યની વાત એ છે કે આ ત્રેખડમાં રાહુલ ગાંધી “સર્વોચ્ચ રાષ્ટ્ર વિરોધી” વ્યક્તિ છે, તેમ ભાજપ નેતાએ કહ્યું હતું.
“મીડિયાપાર્ટ”ના એક અહેવાલને ટાંકીને સંબિત પાત્રાએ કહ્યું કે એક વૈશ્વિક મીડિયા એજન્સી છે જેને જ્યોર્જ સોરોસની ઓપન સોસાયટી ફાઉન્ડેશન દ્વારા ભંડોળ મળે છે અને એ એજન્સી તેને ભંડોળ આપનાર લોકોના હિતમાં કામગીરી કરે છે. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ભારતને બદનામ કરવા માટેના અહેવાલો ટાંકવામાં આવ્યા હોવાનાં ઉદાહરણ પણ આપ્યાં હતાં. તેમણે કહ્યું કે, જુલાઈ ૨૦૨૧માં વૈશ્વિક સ્તરે કોવિડની અસર હતી ત્યારે એક લેખ પ્રકાશિત કર્યો હતો કે, બ્રાઝિલે ભારતની કોવેક્સિન કોવિડ-૧૯ વેક્સિનનો ૩૨૪ મિલિયન ડૉલરનો કોન્ટ્રેક્ટ રદ કરી દીધો. આ રીતે દેશની પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો હતો. આ અહેવાલ પ્રકાશિત થયા પછી તરત જ ભારતમાં કોંગ્રેસ પાર્ટીએ પત્રકાર પરિષદ યોજીને ભારત સરકાર ઉપર તેમજ ભારતની વેક્સિન ઉપર પ્રહારો કર્યા હતા. તેમ રાહુલ ગાંધી બોલે છે, તેમ ભાજપના સાંસદે જણાવ્યું હતું.