દંતેવાડા DIG ના હેડ કોન્સ્ટેબલ સન્નુ કરમ આ અથડામણમાં શહીદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
છત્તીસગઢના અબૂઝમાડ ક્ષેત્રમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ચાર નક્સલવાદીઓ ઠાર થયા છે. તેમના શબ જપ્ત કરવામાં આવ્યા છે. આ અથડામણમાં સુરક્ષા દળોએ એક-૪૭ અને SLR સહિત ઓટોમેટિક હથિયારો પણ જપ્ત કર્યા છે. દંતેવાડા DIG ના હેડ કોન્સ્ટેબલ સન્નુ કરમ આ અથડામણમાં શહીદ થયા છે. સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણમાં DRG (ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ) અને STF (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ) ના જવાનો તૈનાત છે.
આ અથડામણ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત નારાયણપુર અને દંતેવાડા જિલ્લા સુધી વિસ્તરી છે. પોલીસ કર્મીઓએ જણાવ્યા મુજબ, આ અથડામણ નારાયણપુર-અબુઝમાડ બોર્ડર પરથી શરૂ થઈ છે. આ ઓપરેશનમાં આસપાસના ચાર જિલ્લાના સુરક્ષાદળો સામેલ છે.
પોલીસ કર્મીઓએ જણાવ્યું હતું કે, નક્સલ વિરોધી અભિયાનમાં DRG અને STF ની સંયુક્ત ટીમને અબુઝમાડ જિલ્લામાં રવાના કરી હતી. આ ટીમ નક્સવાદ પ્રભાવિત વિસ્તારમાં પ્રવેશતાં જ નક્સલવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. જેના જવાબમાં સુરક્ષાદળોએ કાર્યવાહી કરી હતી. છત્તીસગઢમાં તંગદિલી સતત વધી રહી છે.
બીજાપુર જિલ્લામાં પત્રકાર મુકેશ ચંદ્રાકરની હત્યા થઈ હતી. તેનો મૃતદેહ બીજાપુર શહેરના ચટ્ટાનપારા બસ્તીમાં સુરેશ ચંદ્રાકરની માલિકીના પરિસરમાં એક સેપ્ટિક ટેન્કમાંથી મળી આવ્યો હતો. આ મામલે ત્રણ આરોપી મુકેશના પિતરાઈ ભાઈ રિતેશ ચંદ્રાકર, દિનેશ ચંદ્રાકર અને મહેન્દ્ર રામટેકેની ધરપકડ કરવામાં આવી છે. તપાસ કાર્યવાહી માટે એક સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની પણ રચના કરવામાં આવી છે. મુકેશ ચંદ્રાકર ૧ જાન્યુઆરીની રાતથી ગુમ હતો. મુખ્ય આરોપી સુરેશ ચંદ્રાકર કોંગ્રેસનો નેતા અને કોન્ટ્રાક્ટર છે. પરંતુ કોંગ્રેસે દાવો કર્યો છે કે, સુરેશ ભાજપમાં સામેલ થયો હતો. સુરેશ હાલ ફરાર છે.