ટેક્સ હટાવવાથી ઑઈલ સેક્ટરની તમામ કંપનીઓને મોટી રાહત મળી
નાણા મંત્રાલયે આ ટેક્સને સંપૂર્ણપણે હટાવી દીધો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્ર સરકારે મોટો ર્નિણય લેતા ઈંધણ પરનો વિંડફૉલ ટેક્સ હટાવી દીધો છે. આ ટેક્સ એર ટર્બાઈન ફ્યૂલથી લઈને પેટ્રોલ-ડીઝલ પર પણ લાગતો હતો. તેને ઔપચારિક રીતે સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે વર્ષ ૨૦૨૨માં એવા સમયે લાદવામાં આવ્યો હતો જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ક્રૂડ ઑઈલની કિંમતો હાઈ લેવલ પર પહોંચી ગઈ હતી. હવે નાણા મંત્રાલયે આ ટેક્સને સંપૂર્ણપણે હટાવી દીધો છે.
એક અહેવાલ પ્રમાણે સરકારે ક્રૂડ ઑઈલના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આવેલા ઘટાડા વચ્ચે સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઑઈલ અને એવિએશન ઈંધણ, પેટ્રોલ અને ડીઝલની નિકાસ પરનો આ ૩૦ મહિના જૂનો ટેક્સ આજે હટાવી દીધો છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ અંગે એક નોટિફિકેશન રજૂ કર્યું છે. જેમાં જાહેર ક્ષેત્રની ONGC જેવી કંપનીઓ દ્વારા ઉત્પાદિત ક્રૂડ ઑઈલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ જેવી કંપનીઓ દ્વારા કરવામાં આવેલી ઈંધણની નિકાસ પર લાગતા ટેક્સને હટાવી દેવાનો ર્નિણય કર્યો છે.
આ ર્નિણયને ૨૯/૨૦૨૪ અને ૩૦/૨૦૨૪ નંબરની નોટિફિકેશન દ્વારા ઔપચારિક રૂપ આપવામાં આવ્યું છે, જેને સંસદમાં રાખવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ક્રૂડ ઑઈલની કિંમતોમાં ધરખમ વધારાને કારણે સરકારે વર્ષ ૨૦૨૨માં સ્થાનિક ક્રૂડ, પેટ્રોલ-ડીઝલ અને એવિએશન ઈંધણની નિકાસમાંથી ઑઈલ કંપનીઓને થતા નફા પર વિંડફૉલ ટેક્સ લગાવવાનો ર્નિણય લીધો હતો, જેનો હેતુ રેવન્યૂ વધારવાનો હતો.
હવે સરકાર દ્વારા આ ટેક્સ હટાવવાથી ઑઈલ સેક્ટરની તમામ કંપનીઓને મોટી રાહત મળી છે. રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન વર્ષ ૨૦૨૨માં ભારત ક્રૂડ ઑઈલ ઉત્પાદકો પર વિંડફૉલ ટેક્સ લગાવીને એ દેશોમાં સામેલ થયો હતો, જે એનર્જી કંપનીઓના નફા પર ટેક્સ લગાવે છે. ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઑઈલ અને પેટ્રોલ, ડીઝલ, એટીએફ જેવા રિફાઈનરી ઉત્પાદનોના ભાવમાં સમયની સાથે વધ-ઘટ થતી રહે છે. વિંડફૉલ ટેક્સ એ એક એવો ટેક્સ છે જે સ્થાનિક સ્તર પર ક્રૂડ ઉત્પાદક કંપનીઓ પર એક ચોક્કસ મર્યાદા કરતાં વધુ નફા પર લાદવામાં આવે છે.
જો ગ્લોબલ માર્કેટમાં ડીઝલ, પેટ્રોલ અને એટીએફ વગેરેના ભાવ સ્થાનિક બજાર કરતા વધારે હોય તો રિફાઈનરીઓ નિકાસ વધારવા લાગે છે, જેથી તેને વધુ નફો થાય. સરકાર તેના પર લગામ લગાવવા અને સ્થાનિક બજારમાં ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે વિંડફૉલ પ્રોફિટ ટેક્સ લાદી દે છે.
આ જ ગણતરી ક્રૂડ ઑઈલના મામલે પણ લાગુ પડે છે. બીજી તરફ જ્યારે ગ્લોબલ માર્કેટમાં તેની કિંમત ઘટી જાય છે ત્યારે કંપનીઓ પોતે જ નિકાસ ઘટાડવાનું શરૂ કરે છે. જ્યારે આવી સ્થિતિ ઊભી થાય છે ત્યારે સરકાર વિંડફૉલ ટેક્સ ઘટાડવા અથવા હટાવવાનો ર્નિણય લે છે. ભારત સરકારે સૌપ્રથમ ૧ જુલાઈ, ૨૦૨૨ ના રોજ વિંડફૉલ પ્રોફિટ ટેક્સ લાદવાનો ર્નિણય લીધો હતો.