કર્ણાટક કેડરના IPS અધિકારી હર્ષ વર્ધનનું અકસ્માતમાં મોત
પરિવાર અને પોલીસ વિભાગ આઘાતમાં !!!
(સંપૂર્ણ સમાચાર સેવા )
કર્નાટકના હસન જીલ્લામાં પોતાની કારકિર્દીની પહેલી પોસ્ટીંગનો ચાર્જ સંભાળવા જઈ રહેલા કર્ણાટક કેડરના ઇન્ડિયન પોલીસ સર્વિસ અધિકારી હર્ષ વર્ધનનું અકસ્માતમાં મૃત્યુના ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે.
મળતી માહિતી અનુસાર વર્ધન હોલેનરસીપુરમાં પ્રોબેશનર આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે ફરજ પર જવા માટે હસન જઈ રહ્યા હતા, ત્યારે હસન તાલુકામાં કીટ્ટાને વિસ્તાર નજીક પોલીસના વાહનનું ટાયર ફાટ્યું હતું. અને તેના કારણે ડ્રાઇવરે વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. અને વાહન રસ્તાની બાજુના મકાન અને ઝાડ સાથે અથડાયું હતું.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, વર્ધનને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારબાદ તત્કાલીન તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે ડ્રાઈવર મંજેગૌડાને સામાન્ય ઈજાઓ થઈ હતી. હર્ષ વર્ધને તાજેતરમાં જ મૈસૂરમાં કર્ણાટક પોલીસ એકેડમીમાં ચાર સપ્તાહની તાલીમ પૂર્ણ કરી હતી.
હર્ષ વર્ધનનો પરિવાર મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં રહે છે. તેમની ઉંમર ૨૬ વર્ષની હતી. પુત્રના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવાર આઘાતમાં સરી પડ્યું હતું. વર્ધને એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. તેઓ ૨૦૨૨-૨૩ના કર્ણાટક કેડર બેચના ૈંઁજી અધિકારી હતા. હસનના પોલીસ અધિક્ષક મોહમ્મદ સુજીત અને સહાયક પોલીસ અધિક્ષક વેંકટેશ નાયડુએ પણ હર્ષ વર્ધનને શ્રદ્ધાંજલિ આપી હતી.