શિવસેના નેતા સંજય રાઉતના નિવેદનથી રાજકારણ માહોલમાં ગરમાવો
(સંપૂર્ણ સમાચાર સેવા)
શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે દાવો કર્યો કે, નીતિશ કુમારના નેતૃત્ત્વવાળી જનતા દળ (યુનાઇટેડ) NDA ગઠબંધન સાથે નહીં રહે. કારણકે, ભાજપ તેમની પાર્ટીના ૧૦ સાંસદોને લલચાવવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપ બિહારમાં સહયોગી દળની પીઠમાં છરો ઘોંપી રહી છે. નોંધનીય છે કે, બિહારમાં ભાજપ નીતિશ કુમારની સાથે ગઠબંધનમાં છે.
સંજય રાઉતે કહ્યું, ‘ભાજપે જેડી(યુ) ના ૧૦ સાંસદોને પોતાના પક્ષમાં કરવાનું કામ શરૂ કરી દીધું છે. તેથી નીતિશ કુમાર સંકોચ અનુભવી રહ્યા છે. તે NDA માં રહેશે કે નહીં તે વિશે મને શંકાછે. જેડી(યુ) NDA ના ભાગરૂપે ૨૦૨૫માં બિહાર વિધાનસભાની ચૂંટણી લડે તેવી સંભાવના ખૂબ ઓછી દેખાય છે. જેડી(યુ) પાસે લોકસભામાં ૧૨ સાંસદ છે, જે NDA સરકાર માટે મહત્ત્વપૂર્ણ છે. કારણકે, ભાજપ પાસે સંસદના નીચલા ગૃહમાં પોતાના દમ પર બહુમત નથી. વળી, છત્તીસગઢના પત્રકાર મુકેશ ચંદ્રકારની હત્યા પર સંજય રાઉતે કહ્યું, તેણે રસ્તો બનાવવામાં થઈ રહેલાં ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો હતો.
મુકેશ ચંદ્રાકરની હત્યાને હું સંતોષ દેશમુખની હત્યાની જેમ જોવ છું. મુકેશ ચંદ્રાકરની હત્યા એટલે થઈ કારણ કે, તેણે ભ્રષ્ટાચારની વિરોધમાં અવાજ ઉઠાવ્યો. ઝારખંડમાં એક પત્રકારને જેલમાં રાખવામાં આવ્યો. આ બધી જગ્યાએ ચાલી રહ્યું છે અને કહેવામાં આવે છે કે, દેશમાં લોકતંત્ર છે, ક્યાં છે લોકતંત્ર? દિલ્હી ચૂંટણી પર તેઓએ કહ્યું, વડાપ્રધાનની આદત છે ચૂંટણી પહેલાં હજારો કરોડોની જાહેરાત કરે છે, તેમને પાર્ટી તોડવાનો નશો છે. પરંતુ, હું જોઈ રહ્યો છું કે, દિલ્હીની જનતા અરવિંદ કેજરીવાલ સાથે છે. નરેન્દ્ર મોદીનું બેવડું વ્યક્તિત્વ છે. દરગાહ પર ચાદર ચઢાવવી શ્રદ્ધાનો વિષય છે. જો વડાપ્રધાન જ્યાં ચાદર ચઢાવે છે, તો હું તેમની ટીકા નહીં કરૂ. પરંતુ, તમારે બેવડું વ્યક્તિત્વ છોડવું પડશે.’