કોર્ટે આ મામલે કેસ નોંધવાનો આદેશ આપ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બદાયૂંની બિલસી વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય હરીશ શાક્ય અને તેમના ભાઈ સહિત ૧૬ લોકો વિરુદ્ધ સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ લોકો પર જાતીય સતામણી, નકલી કેસમાં ફસાવવા અને કરોડોની જમીન હડપ કરવાનો આરોપ મુકાયો છે. કોર્ટે આ મામલે કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. પોલીસને આદેશનું પાલન કરતાં ૧૦ દિવસમાં રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ કરાયો હતો. ત્યારબાદ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે.
પીડિતાએ ACJM -૨ની કોર્ટમાં ન્યાય માટે અરજી કરી હતી. કોર્ટે પોલીસને કેસ નોંધીને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. ધારાસભ્યે તમામ આરોપો ફગાવી પોતાની વિરૂદ્ધ ષડયંત્ર રચાયું હોવાનો દાવો કર્યો છે. લલિત નામના વ્યક્તિએ બિલસી વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્ય હરીશ શાક્ય અને તેમના બે ભાઈઓ સહિત કુલ ૧૬ લોકો પર આરોપ લગાવ્યો છે કે ધારાસભ્ય અને તેમના સહયોગીઓએ તેમની જમીન હડપ કરવા માટે તેમને હેરાન કર્યા હતા. પીડિતે જણાવ્યું હતું કે, ‘ધારાસભ્ય સાથે રૂ. ૮૦ લાખ વીઘા જમીનનો દર નક્કી થયો હતો. અમે કુલ ૧૭ વીઘા જમીનની વાત કરી હતી, પરંતુ તે બળજબરીપૂર્વક જમીનનો કરાર કરાવવા માગતા હતા. જ્યારે મેં ના પાડી ત્યારે તેઓએ મારી પત્નીને ઘરે બોલાવી તેના પર બળાત્કાર કર્યો અને ધમકી આપી કે તે તેમની સામે પોલીસમાં ખોટો કેસ દાખલ કરી જેલભેગા કરશે.
પીડિતે આ અંગે કોર્ટમાં અરજી રજૂ કરી, જેના પર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ II એ એક આદેશ જારી કરતાં પોલીસ સ્ટેશન સિવિલ લાઇન્સને સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવા અને તપાસ કરવા અને દસ દિવસમાં સંપૂર્ણ કાર્યવાહી વિશે રિપોર્ટ જણાવવાનો આદેશ આપ્યો હતો. પીડિતની માતાનું કહેવું છે કે ‘ધારાસભ્યને મિલકત ન મળતાં તેમણે અમારું જીવન નરક બનાવી દીધું છે, અમને ખૂબ હેરાન કર્યાં. અમારૂ સન્માન અને અમારી સંપત્તિ પર કબજો કર્યો, અમારૂ જીવન બરબાદ કરી નાખ્યું.’
આ સમગ્ર મામલે બિલસીના ધારાસભ્ય હરીશ શાક્યનું કહેવું છે કે તેમની વિરુદ્ધ રાજકીય ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ પહેલા જે વ્યક્તિએ અરજી આપી હતી તેણે રજિસ્ટ્રીમાં જઈને ૬૦ જેટલા ડીડ કર્યા હતા. જો હું કોઈપણ પ્રકારનું દબાણ કરતો હતો તો તે કેવી રીતે વારંવાર રજિસ્ટ્રીમાં જઈને ડીડ કરાવી શકે. આ આખો મામલો મારી રાજકીય છબીને ખરડાવવાનો છે. તેમણે કહ્યું કે પીડિતા દ્વારા યૌન શોષણનો આરોપ લગાવતી અરજીમાં આ ઘટનાનો કોઈ ઉલ્લેખ નથી.