કેપ્ટને શાંત રહેવું જોઈએ : ક્રિકેટર માઇક હસી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મેલબર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચોથી બોક્સિંગ ડે ટેસ્ટ મેચના ચોથા દિવસે ઓપનર યશસ્વી જયસ્વાલને કેપ્ટન રોહિત શર્માના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. યશસ્વી જયસ્વાલે ઓસ્ટ્રેલિયા સામેની બીજી ઇનિંગમાં ત્રણ કેચ છોડ્યા હતા. આ પછી ભારતીય કેપ્ટન રોહિત શર્મા મેદાનની વચ્ચે તેના પર ગુસ્સે થઇ ગયો હતો. આ ઘટના ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગની ૪૦મી ઓવરમાં બની હતી.
યશસ્વી જયસ્વાલે ૪૦મી ઓવરમાં આકાશદીપના બીજા જ બોલ પર માર્નસ લાબુશેનનો કેચ છોડ્યો હતો. જ્યારે માર્નસ લાબુશેનનો કેચ જયસ્વાલ ચૂકી ગયો હતો ત્યારે તે ૪૬ રન પર બેટિંગ કરી રહ્યો હતો. લાબુશેને પોતાને મળેલા આ જીવનદાનનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને ૭૦ રનની ઇનિંગ રમી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્મા સામાન્ય રીતે શાંત રહેતો હોય છે. પરંતુ જ્યારે યશસ્વી જયસ્વાલે માર્નસ લાબુશેનનો કેચ છોડી દીધો ત્યારે તે પોતાનો ગુસ્સો છુપાવી શક્યો નહીં. કેચ ડ્રોપ થયા બાદ રોહિત શર્માએ ગુસ્સામાં હવામાં મુક્કા મારવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે માર્નસ લાબુશેનનો કેચ ડ્રોપ થયો હતો ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર ૯૯ રનમાં ૬ વિકેટે હતો. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.
આ સિવાય યશસ્વી જયસ્વાલે ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ દરમિયાન ૪૯મી ઓવર અને ત્રીજી ઓવરમાં કેચ છોડી મૂક્યા હતા. હકીકતમાં જયસ્વાલે ૪૯મી ઓવરમાં પેટ કમિન્સ અને ત્રીજી ઓવરમાં ઉસ્માન ખ્વાજાનો કેચ છોડી દીધો હતો. તેણે ૪૯મી ઓવરમાં સિલી પોઈન્ટ પર પેટ કમિન્સનો કેચ છોડ્યો હતો. તે સમયે પેટ કમિન્સ ૨૦ રન બનાવીને રમી રહ્યો હતો. અને પછી પેટ કમિન્સ ૪૧ રન બનાવીને આઉટ થયો હતો.
રોહિત શર્માએ યશસ્વી જયસ્વાલનો કેચ છોડ્યા બાદ જે રીતે પ્રતિક્રિયા આપી તેને લઈને નારાજ થઇને પૂર્વ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ક્રિકેટર માઇક હસીએ કહ્યું હતું કે, ‘સાચું કહું તો મને ભારતીય કેપ્ટનની આ પ્રતિક્રિયા પસંદ નથી આવી અને હું તેમની ભાવનાઓની કદર કરું છું. તેણે શાંત રહેવું જોઈએ, કારણ કે કોઈ જાણી જોઈને કેચ ના છોડે, કેપ્ટને શાંત રહેવું જોઈએ.’ એલિસા હિલીએ કહ્યું કે, ‘જયસ્વાલને ફરી ધ્યાન કેન્દ્રિત કરવા માટે સિનિયર ખેલાડીઓના સપોર્ટની જરૂર છે.’ ડેરેન બેરીએ સલાહ આપી હતી, કે ‘ગુસ્સો કરીને ફટકાર લગાવવાની જગ્યાએ તમારે તેની પીઠ થાબડીને તેને પ્રોત્સાહિત કરવો જોઈએ.