આસામ પોલીસે બાળલગ્નના આરોપમાં એક જ રાતમાં ૪૧૬ લોકોની ધરપકડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
આસામની હિમંતા બિસ્વા સરમા સરકાર બાળલગ્ન સામે કડક કાર્યવાહી કરી રહી છે. બાળલગ્ન સામે શરૂ કરાયેલા અભિયાનના ભાગરૂપે, આસામ પોલીસે એક જ રાતમાં ૪૧૬ લોકોની ધરપકડ કરી હતી અને ૩૩૫ કેસ નોંધ્યા હતા. ધરપકડ કરાયેલા લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. બાળલગ્નને લઈને મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X ‘ પર પોસ્ટ કરીને લખ્યું કે, આસામ બાળ લગ્ન સામેની લડાઈ ચાલુ રાખીશું. શરૂ કરવામાં આવેલા ઓપરેશનના ત્રીજા તબક્કામાં ૪૧૬ ધરપકડ કરવામાં આવી હતી અને ૩૩૫ કેસ નોંધાયા હતા. અમે આ સામાજિક દુષણને ખતમ કરવા માટે સાહસિક પગલાં લેવાનું ચાલુ રાખીશું.’
૧૭મી જુલાઈના રોજ વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસના રોજ જાહેર કરાયેલા એક અહેવાલમાં જણાવાયું છે કે બાળલગ્નના કેસોમાં કાનૂની હસ્તક્ષેપ પર આસામ સરકારનો ભાર હવે દેશના બાકીના ભાગો માટે રોલ મોડેલ બની ગયો છે. આસામ સરકારની આ કાયદાકીય વ્યૂહરચનાથી વર્ષ ૨૦૨૧-૨૨ અને ૨૦૨૩-૨૪ વચ્ચે રાજ્યના ૨૦ જિલ્લાઓમાં બાળલગ્નમાં ૮૧ ટકાનો ઘટાડો થયો છે.
વર્ષ ૨૦૨૪ની શરૂઆતમાં હિમંતા બિસ્વા સરમાની સરકારે એક મોટો ર્નિણય લીધો અને આસામ મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા નોંધણી અધિનિયમ૧૯૩૫ને રદ કર્યો. જ્યારે આ મુદ્દા પર આસામ વિધાનસભાની અંદર હંગામો શરૂ થયો અને વિરોધ પક્ષોએ પૂછ્યું કે તેની શા માટે જરૂર છે, ત્યારે મુખ્યમંત્રી હિમંતાએ જણાવ્યું હતુ કે ‘જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી આસામમાં બાળ લગ્ન નહીં થવા દઉં.’