એક ખેડૂતના ઘરમાં ૮ દિવસમાં લાગી ૨૨ વખત આગ
લોકેરમાં આગ લાગતાં દાગીના પીગળી ગયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
હરિયાણાના સોનીપતના ફરમાણા ગામમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને સૌ કોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. લોકોને સમજણ નથી પડતી કે, આવું કેવી રીતે થઈ રહ્યું છે. હકીકતમાં ખેડૂત હરિકિશનના ઘરમાં અચાનક કોઈ પણ જગ્યાએ આગ લાગતા ચર્ચાનો વિષય બન્યો છે. જેના કારણે હવે માત્ર પીડિત પરિવાર જ નહીં પરંતુ સમગ્ર ગ્રામજનો પણ ભયમાં જીવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ ખેડૂતના ઘરના લોકરમાં રાખેલા દાગીનામાં ૮ દિવસ પહેલા આગ લાગી હતી. તે પછી અત્યાર સુધીમાં ઘરમાં લગભગ ૨૨ વાર આગ લાગી છે. જેના કારણે પરિવારજનો અને ગામજનો રાત દિવસ પહેરો ભરી રહ્યા છે. તેમજ ખેડૂતના ઘરે લોકોની ભીડ જોવા મળી રહી છે. આ ઉપરાંત આજુબાજુના ગામડાના લોકો પણ ઘરમાં આગ જોવા માટે આવી રહ્યા છે.
૮ દિવસ પહેલા ખેડુતના ઘરે સૌથી પહેલા કબાટમાં આગ લાગી હતી. જેના કારણે ચાંદીના દાગીના પીગળી ગયા હતા. ત્યારથી અત્યાર સુધીમાં ઘરની અલગ-અલગ ૨૨ જેટલી જગ્યાએ આગ લાગી છે. આગમાં કપડા, ફર્નિચર અને અન્ય વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે. જોકે આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આ ઘટનાથી પીડિત પરિવાર ખૂબ ગભરાઈ ગયો છે. પરિવારનું કહેવું છે કે, ઘરમાંથી વસ્તુઓ લેવા માટે પણ કોઈ આવતું નથી. પીડિતાના પરિવારજનોએ જણાવ્યું કે, તેમની પાસે આઠ ભેંસ છે. જેનું દૂધ તેઓ પોતાના પરિવારના ભરણપોષણ માટે વેચે છે. હવે માત્ર બે ભેંસ જ દૂધ આપી રહી છે. પરંતુ વારંવાર આગ લાગવાના કારણે ગ્રામજનો પણ ભયભીત છે, અને તેમની પાસેથી દૂધ લેવા પણ આવતા નથી. જોકે સુરક્ષા માટે ગ્રામજનો ચોક્કસપણે ખેડૂતના ઘરની બહાર પહેરો આપી રહ્યા છે.
પરિવારનું કહેવું છે કે, રાત્રે જ્યારે બાળકો સૂઈ જાય છે, ત્યારે પરિવારના સભ્યો જાગતા રહે છે. આગના કારણે પરિવારના કોઈ સભ્યને કોઈ નુકસાન ન થાય તેની સતત ચિંતા રહ્યા કરે છે. આ ઘટનાને કેટલાક લોકો અંધશ્રદ્ધા સાથે જોડી રહ્યા છે. તો કોઈ કુદરતી કે વૈજ્ઞાનિક કારણો શોધવાની વાત કરી રહ્યું છે. આગ સંદર્ભે પીડિત પરિવાર પોલીસને ફોરેન્સિક નિષ્ણાતોની ટીમને બોલાવીને તપાસ કરાવવા માટે કહી રહ્યો છે.