છોકરાના પિતા સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટમાં સીનિયર ઓફિસર
શૂટિંગ એકેડમીમાં શૂટિંગ પ્રેકટીસ દરમિયાન બન્યો બનાવ
(સંપૂર્ણ સમાચાર સેવા )
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાંથી આપઘાતનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ભોપાલની શૂટિંગ એકેડમીમાં રહીને શૂટિંગ શીખી રહેલા એક ૧૭ વર્ષના છોકરાએ ખુદને ગોળી મારી આપઘાત કરી લીધો છે. ગોળી લાગ્યા બાદ છોકરાનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મૃતક છોકરાના પિતા સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટમાં જ સીનિયર ઓફિસર છે. આ મામલે પોલીસે જણાવ્યું કે, શૂટરનું નામ યથાર્થ રઘુવંશી છે. યથાર્થે શોટ ગન વડે પોતાની જાતને છાતીમાં ગોળી મારી લીધી છે. આ સમગ્ર ઘટના રેસ્ટ રૂમમાં બની હતી. મૃતક યથાર્થ રઘુવંશી મધ્યપ્રદેશના અશોક નગરનો રહેવાસી હતો. તેમના પિતા અરુણ રઘુવંશી અશોક નગર જિલ્લાના રમતગમત અધિકારી છે. પોલીસે જણાવ્યું કે, યથાર્થ છેલ્લા બે વર્ષથી શૂટિંગ એકેડમીમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આપઘાતનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું. પોલીસને તેની પાસેથી કોઈ સુસાઈડ નોટ પણ નથી મળી. મામલો રાતીબદ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. યથાર્થના પરિવારજનોના નિવેદન લીધા બાદ પોલીસ એકેડેમી સ્ટાફની પણ પૂછપરછ કરી રહી છે.