Last Updated on by Sampurna Samachar
નિકાસકારોને મોટાપાયે નુકસાન તેમજ રોજગારીમાં કાપ મૂકાવાની ભીતિ
વિયેતનામ, બાંગ્લાદેશ અને ચીનના હરીફો સામે બિનસ્પર્ધાત્મક રહેશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતના નિકાસકારો અમેરિકા દ્વારા લાગુ થનારા ૨૫ ટકા ટેરિફના કારણે ચિંતિત છે. ટેક્સટાઈલ, ચામડું, જ્વેલરી સહિતના વિવિધ ક્ષેત્રોમાં ૫૦ ટકા ટેરિફ લાગુ થવાનો છે. જેના લીધે નિકાસકારોને મોટાપાયે નુકસાન તેમજ રોજગારીમાં કાપ મૂકાવાની ભીતિ વ્યક્ત થઈ છે.
ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનએ અમેરિકાના ટેરિફ વૃદ્ધિને આઘાતજનક ગણાવ્યો છે. FIEO ના રિપોર્ટ અનુસાર, ટેરિફના કારણે ભારતની ૪૭-૪૮ અબજ ડોલરની અમેરિકામાંથી થતી નિકાસ આવકમાં ૩૦-૩૫ ટકાનો ઘટાડો થવાની ભીતિ વ્યક્ત કરી છે. જેના કારણે તેઓ વિયેતનામ, બાંગ્લાદેશ અને ચીનના હરીફો સામે બિનસ્પર્ધાત્મક રહેશે.
ભારતના જીડીપી ગ્રોથમાં ૦.૯ ટકાનું નુકસાન કરશે
FIEO ના પ્રમુખ એસ સી રાલ્હને જણાવ્યું હતું કે તિરુપુર, નોઇડા અને સુરત જેવા કાપડ કેન્દ્રોમાં ઉત્પાદન પહેલાંથી જ ઠપ થઈ ગયા છે, જ્યારે મરીનના નિકાસકારો ૪૦% વેચાણ માટે યુએસ પર આધાર રાખે છે, જેને નુકસાન થશે. આ સિવાય ચામડું, સિરામિક્સ, કેમિકલ, હસ્તકલા અને કાર્પેટ ઉદ્યોગને પણ માઠી અસર થશે.
રાલ્હને ટેરિફના કારણે સંભવિત નુકસાનમાંથી ઉગરવા માટે નિકાસકારોને વિવિધ રાહતો આપવા ભલામણ કરી છે. જેમાં લોન ચૂકવણી પર એક વર્ષનો મોરેટોરિયમ, વ્યાજમાં ઘટાડો સહિત ક્રેડિટ રાહતો આપવાની જાેગવાઈ છે. તેમણે યુરોપિયન યુનિયન, ગલ્ફ દેશો, લેટિન અમેરિકા સાથે મુક્ત વેપાર સંધિને વેગવાન બનાવવા પણ સલાહ આપી છે.
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવ દ્વારા જાહેર રિપોર્ટ અનુસાર, ભારતની અમેરિકામાં થતી નિકાસ ચાલુ નાણાકીય વર્ષમાં ૪૩ ટકા ઘટી ૪૯.૬ અબજ ડોલર થવાની શક્યતા છે. જેમાં કાપડ, જ્વેલરી, કારપેટની નિકાસમાં ૭૦ ટકા સુધીનો ઘટાડો નોંધાશે. નિકાસમાં આ ઘટાડો ભારતના જીડીપી ગ્રોથમાં ૦.૯ ટકાનું નુકસાન કરશે.
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવના ફાઉન્ડર અજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ભારતમાંથી અમેરિકા થતી કુલ નિકાસમાંથી ૩૦ ટકા પ્રોડક્ટ્સ હજુ પણ ડ્યુટી ફ્રી કેટેગરીમાં સામેલ છે. જ્યારે ૪ ટકા નિકાસ ૨૫ ટકા ટેરિફનો સામનો કરશે. આ સિવાય ૬૬ ટકા નિકાસ (કપડાં, ટેક્સટાઈલ, જેમ્સ-જ્વેલરી, કારપેટ અને ફર્નિચર પર ૫૦ ટકા ટેરિફ લાગુ થશે.
વધુમાં સ્થિતિસ્થાપક સેવાઓની નિકાસ અને વધતી જતી વૈશ્વિક વૈવિધ્યતા ટેરિફના નુકસાનમાં ઘટાડો કરી શકે છે. અમેરિકાના ટેરિફના કારણે નુકસાન થયુ હોવા છતાં ભારતની એકંદર નિકાસ હજુ પણ FY ૨૬ માં ૨.૩% વધવાનો અંદાજ છે.