મલેશિયા સામેની ગ્રુપ છ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતની વૈષ્ણવી શર્માએ ઈતિહાસમાં પોતાનું નામ લખી દીધું છે કારણ કે તે મહિલા અંડર-૧૯ T૨૦ વર્લ્ડ કપમાં હેટ્રિક લેનારી પ્રથમ ભારતીય બોલર બની ગઈ છે. વૈષ્ણવીએ મલેશિયા સામેની ગ્રુપ છ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ૪ ઓવરમાં ૫ રન આપીને ૫ વિકેટ લીધી હતી, જેમાં એક મેડન ઓવર પણ સામેલ હતી. વૈષ્ણવીના જોરદાર પ્રદર્શનના કારણે ભારતે મલેશિયાને ૧૦ વિકેટે હરાવીને મોટી જીત નોંધાવી હતી. આ ટૂર્નામેન્ટમાં ભારતની આ સતત બીજી જીત છે. આ પહેલા ટીમે વેસ્ટ ઈન્ડિઝને ૦૯ વિકેટે હરાવ્યું હતું.
મલેશિયા તરફથી કોઈ પણ બેટ્સમેન ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યો નહોતો અને ભારતીય મહિલા ટીમે ટોસ જીતીને મલેશિયાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ વૈષ્ણવીએ તેની શક્તિશાળી બોલિંગથી મલેશિયાનો દાવ ૧૪.૩ ઓવરમાં ૩૧ રનમાં સમેટાઈ ગયો હતો. મલેશિયા માટે કોઈ ડબલ ફિગર સુધી પહોંચી શક્યું ન હતું અને વિકેટકીપર બેટ્સમેન નૂર આલિયા હૈરુન અને હુસ્નાએ ૫-૫ રન બનાવ્યા હતા.
ભારત તરફથી વૈષ્ણવી સિવાય આયુષી શુક્લાએ ૩ અને જોશિતા વીજેએ ૧ વિકેટ ઝડપી હતી. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે માત્ર ૨.૫ ઓવરમાં કોઈપણ નુકશાન વિના ૩૨ રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારત તરફથી ઓપનિંગ બેટ્સમેન ગોંગડી ત્રિસા ૨૭ રન બનાવીને અણનમ રહી હતી અને જી કમલિની ૪ રન બનાવીને અણનમ રહી હતી.
વૈષ્ણવીએ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, જે ભારત માટે ૧૪મી ઓવર ફેંકવા આવી હતી, તેણે બીજા બોલ પર નૂર એન બિંતી રોસલાન (૩)ને LBW આઉટ કર્યો હતો. પછીના બોલ પર નૂર ઇસ્મા દાનિયા (૦)ને LBW આઉટ કરીને પેવેલિયન મોકલવામાં આવ્યો હતો. આ પછી સિટી નઝવાહ (૦) ઓવરના ચોથા બોલ પર બોલ્ડ થઈ અને હેટ્રિક પૂરી કરી. આ સાથે વૈષ્ણવીએ મહિલા અંડર-૧૯ T૨૦ વર્લ્ડ કપમાં હેટ્રિક લેનારી ભારતની પ્રથમ અને એકંદરે ત્રીજી બોલર બની. તેનું બોલિંગ પ્રદર્શન આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં કોઈપણ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.