Last Updated on by Sampurna Samachar
ભારતે ૬ રનથી મેચ જીતીને સિરીઝ ૨-૨થી ડ્રો કરી
બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના અને મોહમ્મદ સિરાજની મહેનત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચમાં ભારે રસાકસી જોવા મળી હતી. ટે ફરી એકવાર વિજયના ઉંબરે ઉભેલી ઇંગ્લેન્ડની ટીમને વિજયની ભીખ માંગવા મજબૂર કરી. ઓવલ ટેસ્ટમાં ભારતે ૬ રનથી મેચ જીતીને સિરીઝ ૨-૨થી ડ્રો કરી છે. વરસાદ-તોફાન ટીમ ઇન્ડિયા માટે વરદાન સાબિત થયું. ૫મા દિવસે ટીમ ઇન્ડિયાના બોલરો તાજગીભર્યા દેખાવ સાથે બહાર આવ્યા અને ઇંગ્લેન્ડના જડબામાંથી વિજય છીનવી લીધો હતો.
૨૦ જૂનથી શરૂ થયેલી એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની અંતિમ ટેસ્ટમાં ભારતની શાનદાર જીત થઈ છે. લંડનના ઓવલ મેદાન પર રમાયેલી આ મેચમાં જોરદાર રસાકસી જોવા મળી હતી. છેલ્લા દિવસે ભારતને જીતવા માટે ચાર વિકેટની જરૂર હતી, જ્યારે ઇંગ્લેન્ડને ૩૫ રનની જરૂર હતી. ભારત જીતતા આ શ્રેણી ૨-૨થી બરાબર થઈ છે.
ભારતે ઈંગ્લેન્ડને પરાજય આપ્યો
આ મેચમાં ભારતે ઇંગ્લિશ ટીમને જીતવા માટે ૩૭૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમે તેની પહેલી ઇનિંગમાં ૨૨૪ રન બનાવ્યા હતા, જ્યારે ઇંગ્લેન્ડ પહેલી ઇનિંગમાં ૨૪૭ રન બનાવ્યા હતા. એટલે કે, યજમાન ઇંગ્લેન્ડને પહેલી ઇનિંગના આધારે ૨૩ રનની થોડી લીડ મળી હતી. આ પછી, ભારતીય ટીમે તેની બીજી ઇનિંગમાં ૩૯૬ રન બનાવ્યા હતા.
જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે તેની ધમાકેદાર બેટિંગથી મેચ પોતાની મુઠ્ઠીમાં કરી લીધી હતી. ચોથા દિવસે હેરી બ્રુક અને જો રૂટે ભારતીય બોલરો માટે મુશ્કેલી ઉભી કરી હતી. બંને બેટ્સમેનોએ સદી ફટકારી અને ઈંગ્લેન્ડના કેમ્પમાં ઉજવણી લગભગ શરૂ થઈ ગઈ હતી. પરંતુ ભાગ્યમાં કંઈક બીજું જ હતું.
પાંચમી ટેસ્ટ મેચમાં કુલ ત્રણ સદી નોંધાઈ હતી, જેમાં ભારતીય બેટર યશસ્વી જયસ્વાલે ૧૧૮ રન, ઈંગ્લેન્ડના બેટર જો રૂટે ૧૦૫ રન અને હેરી બ્રૂકે ૧૧૧ રન નોંધાવ્યા હતા. જ્યારે ભારત તરફથી કરૂણ નાયરે ૫૭ રન, આકાશ દીપે ૬૬ રન, રવિન્દ્ર જાડેજાએ ૫૩ રન અને વોશિગ્ટન સુંદરે ૫૩ રન નોંધાવ્યા હતા. જ્યારે ઈંગ્લેન્ડ તરફથી ફિફ્ટી ફટકારનારા બેટરોમાં ઝેક ક્રોલીએ ૬૪ રન, હેરી બ્રુકે ૫૩ રન, બેન ડુકેટે ૫૪ રન નોંધાવ્યા હતા.
મેચના છેલ્લા દિવસે ભારતીય બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના અને મોહમ્મદ સિરાજની મહેનતના કારણે ભારતે ઈંગ્લેન્ડને પરાજય આપ્યો છે. ભારત તરફથી ઈંગ્લેન્ડ સામેની બીજી ઈનિંગમાં ક્રિષ્નાએ ૪ વિકેટ અને સિરાજે ૫ વિકેટ ઝડપી છે. આ સાથે બંને દેશોએ પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં બે-બે મેચ જીતીને શ્રેણી સરભર કરી લીધી છે. ભારતે પ્રથમ ઈનિંગમાં ૨૨૪ રન અને બીજી ઈનિંગમાં ૩૯૬ રન નોંધાવ્યા હતા, જ્યારે ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં ૨૪૭ રન અને બીજી ઈનિંગમાં ૩૬૭ રન નોંધાવ્યા હતા.