Last Updated on by Sampurna Samachar
ફિનલેન્ડના રાષ્ટ્રપ્રમુખ એલેક્ઝાન્ડર સ્ટબનુ નિવેદન
વૈશ્વિક વિકાસમાં ભારતની ભૂમિકા ખૂબ મહત્ત્વની
(સંપૂર્ણ સમાચાર સેવા)
ફિનલેન્ડના રાષ્ટ્રપ્રમુખ એલેક્ઝાન્ડર સ્ટબે ભારતની તરફેણમાં મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ‘જો ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સામેલ નહીં કરવામાં આવે તો સંયુક્ત રાષ્ટ્ર નબળું પડી જશે. તેમણે UNSC માં ભારતનો સમાવેશ કરવાની કડક શબ્દોમાં હિમાયત કરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ ફિનલેન્ડના રાષ્ટ્રપ્રમુખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ.જયશંકર નો ઉલ્લેખ કરીને કહ્યું છે કે, ‘વૈશ્વિક સ્થિરતા જાળવી રાખવામાં અને વૈશ્વિક વિકાસમાં ભારતની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે.
ભારત જેવા દેશો સુરક્ષા પરિષદમાં હોય તે જરૂરી
એલેક્ઝાન્ડર સ્ટબે કહ્યું કે, ‘હું ભારતનો ખૂબ મોટા પ્રશંસક છું અને મને લાગે છે કે અમેરિકા અને ચીન સાથે ભારત આપણો આગામી સુપરપાવર હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે વિદેશ મંત્રી જયશંકર, વર્તમાનમાં ભારત જે કરી રહ્યું છે, તેમાં વ્યૂહાત્મક વિચારધારાની ઝલક જોવા મળે છે, જેના કારણે વિશ્વભરમાં તેઓને સન્માન મળે છે.
’તેમણે કહ્યું કે, ‘મેં યુએનની મહાસભામાં બે વખત આ વાત કહી છે. હું સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો વિસ્તાર વધે, તેવું ઈચ્છું છું, તેમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી બમણી થવી જોઈએ. ભારત જેવા દેશો સુરક્ષા પરિષદમાં ન હોય તે ખોટું છે. લેટિન અમેરિકામાંથી એક, આફ્રિકામાંથી બે અને એશિયામાંથી બે સભ્યોને આમાં સામેલ કરવા જોઈએ.’