Last Updated on by Sampurna Samachar
કાબુલમાં ભારતના વરિષ્ઠ રાજદ્વારી બેઠકમાં રહ્યા હાજર
રાજકીય અને આર્થિક સંબંધોને વિસ્તારવા પર ભાર મૂક્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતના અફઘાનિસ્તાન બાબતોના વડા આનંદ પ્રકાશ તાલિબાનના કાર્યવાહક વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકીને મળ્યા હતા અને રાજકીય અને વેપાર મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. અફઘાનિસ્તાન મીડિયાએ આ બેઠક વિશે માહિતી આપી હતી. અફઘાનિસ્તાનની ન્યૂઝ અનુસાર, કાબુલમાં આયોજિત આ બેઠકમાં કાર્યકારી વિદેશ મંત્રીએ ભારત સાથે રાજકીય અને આર્થિક સંબંધોને વિસ્તારવા પર ભાર મૂક્યો હતો.

મુત્તાકીએ બંને દેશો વચ્ચે રાજદ્વારી અને આર્થિક સંબંધો વધારવા પર ભાર મૂક્યો અને કહ્યું કે ભારતીય રોકાણકારોએ અફઘાનિસ્તાનમાં રોકાણની તકોનો લાભ લેવો જોઈએ. મીડિયાએ અફઘાન પ્રવક્તાના હવાલાથી આ માહિતી આપી હતી. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે પહલગામ આતંકવાદી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. જોકે, એ સ્પષ્ટ નથી કે પ્રકાશ-મુત્તકી મંત્રણામાં આ મુદ્દા પર ચર્ચા થઈ કે નહીં.
ભારતે દૂતાવાસને પાછા ખેંચી લીધા હતા
મહત્વનું છે કે ભારતે હજુ સુધી અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને માન્યતા આપી નથી અને કાબુલમાં સાચી રીતે સમાવેશી સરકારની રચનાની માંગ કરી રહ્યું છે. અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કોઈપણ દેશ વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ માટે ન થવો જોઈએ તેના પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
અફઘાનિસ્તાનમાં વધી રહેલા માનવતાવાદી સંકટને ધ્યાનમાં રાખીને, ભારત ત્યાં કોઈપણ અવરોધ વિના માનવતાવાદી સહાય પૂરી પાડવાની વાત કરી રહ્યું છે. જૂન ૨૦૨૨ માં, ભારતે કાબુલમાં તેના દૂતાવાસમાં ‘તકનીકી ટીમ’ મોકલીને તેની રાજદ્વારી હાજરી પુન:સ્થાપિત કરી. ઓગસ્ટ ૨૦૨૧ માં, તાલિબાન સત્તામાં આવ્યા પછી, ભારતે સુરક્ષા ચિંતાઓને કારણે તેના દૂતાવાસ અધિકારીઓને પાછા ખેંચી લીધા હતા.