Last Updated on by Sampurna Samachar
ફળ-શાકભાજી ભરેલા ૧૦૦૦થી વધુ કન્ટેનર દુબઈમાં ફસાયા!
મધ્ય પૂર્વ સંઘર્ષના કારણે કન્ટેનરનું અલગ અલગ દેશોમાં એક્સપોર્ટ રોકાઈ જતાં લાખો કરોડોનું નુકસાન થઈ રહ્યું છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્ય પૂર્વમાં સંઘર્ષના કારણે મહારાષ્ટ્ર સહિત દેશભરના ખેડૂતો અને નિકાસકારોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો, મહારાષ્ટ્રથી ખેત ઉત્પાદનો સાથે ગયેલા ૮૦૦ થી ૧૦૦૦ કન્ટેનર દુબઈના જેબેલ અલી બંદર પર ફસાયા છે. ૨૮ ફેબ્રુઆરી જ્યારથી યુદ્ધ શરૂ થયું ત્યારથી જ કામકાજ ઠપ્પ થઈ ગયું છે. કન્ટેનરનું અલગ અલગ દેશોમાં એક્સપોર્ટ રોકાઈ જતાં લાખો કરોડોનું નુકસાન થઈ રહ્યું છે.

દુબઈનું જેબેલ અલી બંદર મધ્ય પૂર્વનું એક મુખ્ય પોર્ટ છે. જે ખાડી ક્ષેત્રોમાં ભારત સહિત અનેક દેશોના ખેત ઉત્પાદનોનું વિતરણનું મહત્વનું કેન્દ્ર છે. જાે કે યુદ્ધ બાદ સ્થિતિ તંગ થઈ જતાં કામકાજ સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગયું છે. જે કારણે દુબઈ પહોંચેલા કે ભારતથી જઈ રહેલા ઘણા શિપમેન્ટ બંદર પર ફસાઈ ગયા છે. ફસાયેલા કન્ટેનરોમાં મુખ્ય રૂપે ઓછા ટકી શકે તેવા કેળા, દ્રાક્ષ, દાડમ, તરબૂચ, પાંદડાવાળા શાકભાજી અને ડુંગળીનો સમાવેશ થાય છે.
ફળફ્રૂટની નિકાસ કરતાં ૬૦૦-૭૦૦ કન્ટેનર ફસાયા
જે મોટા ભાગે મહારાષ્ટ્રથી નિકાસ થાય છે. કન્ટેનરો અટવાઈ જતાં હવે તે ખરાબ થઈ જવાની ભીતિ છે. જેનો મતલબ છે કે નિકાસકારોને ભારે નુકસાન થશે, કારોબારો ઓછો થતાં જેની સીધી અસર ખેડૂતોને થશે. ઈરાનના બંદરો પર ફળફ્રૂટની નિકાસ કરતાં ૬૦૦-૭૦૦ કન્ટેનર ફસાયેલા છે
મુંબઈના જવાહરલાલ નેહરુ બંદર પર દુબઈ જનારી દ્રાક્ષના લગભગ ૮૦ કન્ટેનર અત્યાર સુધીમાં અનલોડ જ થયા નથી.
નાસિકથી નિકાસ માટે આવી રહેલા ૨૦૦થી વધુ કન્ટેનર બંદર બહાર ફસાયેલા છે. જેથી ભારે જામ પણ લાગી ગયો છે. ખેડૂત સંગઠનોએ સરકારી સહાયની માગ ઉઠાવતા કહ્યું છે કે, પ્રતિ ક્વિન્ટલ ૧૫૦૦ રૂપિયાની સબસિડી સાથે ફસાયેલા કન્ટેનરોને બંદર વેરાથી પણ માફી આપવામાં આવે. નિકાસકારોની સહાય માટે એક અસ્થાયી ખરીદ યોજના લાગુ કરવામાં આવે જેથી તેમના આર્થિક નુકસાનમાં થોડી ભરપાઈ થાય.
આ ઉપરાંત ખાંડની નિકાસમાં પણ મોટો ફટકો પડે તેવા એંધાણ છે, કેન્દ્રએ આ સિઝન માટે ૨૦ લાખ ટન ખાંડના નિકાસની મંજૂરી આપી છે. પરંતુ નિકાસકારોનું અનુમાન છે કે હાલની સ્થિતિઓને કારણે માત્ર ૫ લાખ ટન ખાંડ જ વિદેશની બજારો સુધી પહોંચાડી શકાશે.