Last Updated on by Sampurna Samachar
રાજ્યસભા સાંસદ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું
મોદી અને ટ્રમ્પના ગાઢ સંબંધ, ટેરિફ વોર બહુ દિવસ નહીં ટકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને અમેરિકા વચ્ચે વેપારી સંબંધો હાલ ટેરિફને કારણે તણાવગ્રસ્ત થયા છે. અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર કુલ ૫૦ ટકા ટેરિફ લગાવ્યો છે. જેમાં ૨૫ ટકા તો ૭ ઓગસ્ટથી લાગૂ થઈ ગયો જ્યારે બાકીનો ૨૫ ટકા આજ રાતથી લાગૂ થશે. આ ર્નિણય બાદ બંને દેશો વચ્ચે વેપારી સંબંધોમાં થોડી ખટાશ આવી છે. પરંતુ ભારત હજુ પણ સ્થિતિ સુધારે તેવી આશા રાખી રહ્યું છે.
ભારત અમેરિકા ટેરિફ યુદ્ધ સંદર્ભે હવે ભારતના પૂર્વ વિદેશ સચિવ અને રાજ્યસભા સાંસદ હર્ષવર્ધન શ્રૃંગલાએ વર્જીનીયામાં એક કાર્યક્રમ દરમિયાન મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમેરિકા દ્વારા ભારતીય નિકાસ પર લગાવવામાં આવેલો ટેરિફ ચિંતાનો વિષય છે. પરંતુ આ સ્થિતિ કાયમી નથી. બંને દેશ જલદી વેપાર સમજૂતિ (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ)ની દિશામાં આગળ વધી શકે છે. આ દરમિયાન પૂર્વ વિદેશ સચિવે એમ પણ સ્પષ્ટ કર્યું કે હાલના ટેરિફ વિવાદથી ભારત-અમેરિકાના સંબંધોનો પાયો નબળો થશે નહીં. તેમણે ભરોસો જતાવ્યો કે દ્વિપક્ષીય સહયોગ, ખાસ કરીને રણનીતિક અને ટેક્નિકલ ક્ષેત્રે પહેલાની જેમ મજબૂત રહેશે.
આ મજબૂત ભાગીદારી વેપારી મતભેદોને ઉકેલશે
ભારત અને અમેરિકા વચ્ચે છેડાયેલા ટેરિફ યુદ્ધ અંગે વિશેષજ્ઞોનું માનવું છે કે બંને દેશો વચ્ચે આપસી હિતોની ઊંડાઈ એટલી મજબૂત છે કે હંગામી વેપાર વિવાદ લાંબા ગાળાના સંબંધોને પ્રભાવિત નહીં કરે. આવનારા મહિનાઓમાં ઉચ્ચસ્તરીય કૂટનીતિક વાતચીત દ્વારા આ ગતિરોધનું સમાધાન નીકળે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.
શ્રૃંગલાએ કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત સંબંધોનો પાયો પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઘનિષ્ઠ અને વિશેષ ભાગીદારી પર ટકેલી છે. તેમણે ભરોસો વ્યક્ત કર્યો કે આ મજબૂત વ્યક્તિગત જોડાણના પગલે બંને દેશો જલદી એક સંતોષજનક અને પરસ્પર રીતે લાભકારી મુક્ત વેપાર સમજૂતિની દિશામાં આગળ વધી શકે છે.
વર્જીનિયામાં એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે, એક વાત જે હું નિશ્ચિતપણે જાણું છું તે એ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે ખુબ ઘનિષ્ઠ અને વિશેષ ભાગીદારી રહી છે. અનેક બેઠકોમાં, જેમાં હું પોતે હાજર રહ્યો હતો તે સ્પષ્ટ રીતે મહેસૂસ કર્યું છે.
તેમણે કહ્યું કે આ સંબંધ અત્યારનો નહીં પરંતુ ટ્રમ્પના પહેલા કાર્યકાળથી રહ્યો છે જ્યારે હાઉડી મોદી (હ્યુસ્ટન ૨૦૧૯) અને નમસ્તે ટ્રમ્પ (અમદાવાદ ૨૦૨૦) જેવા ઐતિહાસિક કાર્યક્રમોનું આયોજન થયું હતું. જે બંને નેતાઓના વ્યક્તિગત સંબંધોનું ઊંડાણ દર્શાવે છે. શ્રૃંગલાએ આશા વ્યક્ત કરી કે આ મજબૂત ભાગીદારી વેપારી મતભેદોને ઉકેલવામાં મદદ કરશે અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના ભારત યાત્રાના આગામી તબક્કાનો માર્ગ પણ નક્કી કરશે.