Last Updated on by Sampurna Samachar
ભારતીય કોસ્ટગાર્ડે તાત્કાલિક જહાજો અને વિમાન તૈનાત કર્યા હતા
ભારતે જપ્ત કરેલા જહાજ ઈરાનના નથી , ઇરાને કહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
આંતરરાષ્ટ્રીય દરિયામાં ઓઈલની હેરાફેરીના મોટા નેટવર્કનો ખુલાસો થયો છે. ભારતે મુંબઈ નજીક દરિયામાંથી ત્રણ શંકાસ્પદ જહાજો જપ્ત કર્યા છે. જે બાદ મીડિયા અહેવાલોમાં અટકળો વહેતી થઈ હતી કે આ ત્રણેય જહાજ ઈરાનના છે. જોકે આ અટકળોને ઈરાને રદિયો આપતા જણાવ્યું છે કે આ જહાજો સાથે અમારે કોઈ લેવા દેવા નથી. ઈરાનની રાષ્ટ્રીય ઓઈલ કંપનીએ કહ્યું છે કે ભારતે જપ્ત કરેલા જહાજ ઈરાનના નથી.

નોંધનીય છે કે ગત ૫ અને ૬ ફેબ્રુઆરીએ ભારતે એક સંયુક્ત ઓપરેશન કરી ત્રણ જહાજો જપ્ત કર્યા હતા. દરિયાના નિયમો તથા કસ્ટમ ડ્યુટીથી બચવા માટે ઓઈલની હેરાફેરી કરવામાં આવી રહી હતી. જે બાદ મુંબઈથી ૧૦૦ નોટિકલ માઈલ પશ્ચિમમાં ત્રણ જહાજો રોકવામાં આવ્યા. ભારતના દરિયામાં શંકાસ્પદ ગતિવિધિના સંકેત મળતા જ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. અધિકારીઓ જણાવ્યું છે કે આ જહાજો દરિયાની વચ્ચે ક્રૂડ ઓઈલના કાર્ગો એક જહાજથી બીજા જહાજમાં ટ્રાન્સફર કરી રહ્યા હતા. જે બાદ ભારતીય કોસ્ટગાર્ડે તાત્કાલિક જહાજો અને વિમાન તૈનાત કર્યા હતા.
ઓઈલની હેરાફેરીનું આ નેટવર્ક અનેક દેશોમાં ફેલાયેલું હતું
તપાસ દરમિયાન જહાજોના દસ્તાવેજ, ઈલેક્ટ્રોનિક ડેટાની તપાસ કરવામાં આવી તથા ક્રૂ મેમ્બર્સની પૂછપરછ પણ કરાઇ. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઓઈલની હેરાફેરીનું આ નેટવર્ક અનેક દેશોમાં ફેલાયેલું હતું. પોતાની ઓળખ છુપાવવા માટે જહાજો પરના નામ, ધ્વજ અને ડિજિટલ ઓળખ વારંવાર બદલવામાં આવતી હતી.