Last Updated on by Sampurna Samachar
ભારતને રશિયન ઓઈલ મામલે વધુ ડિસ્કાઉન્ટ મળી શકે
ભારતને વધુ S -૪૦૦ મિસાઇલ સિસ્ટમ મોકલવાનોં વિચાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાની ધમકીઓ વચ્ચે ભારત અને રશિયા વચ્ચે ભાગીદારી વધુ મજબૂત થતી દેખાય છે. હવે એવા અહેવાલો છે કે રશિયા ભારતને વધુ S -૪૦૦ મિસાઇલ સિસ્ટમ મોકલવાનું વિચારી રહ્યું છે. બંને દેશો વચ્ચે સપ્લાય વધારવા માટે પણ વાતચીત ચાલી રહી છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભારતને રશિયન ઓઈલ મામલે વધુ ડિસ્કાઉન્ટ મળી શકે છે.
અહેવાલ અનુસાર રશિયન અધિકારી દિમિત્રી શુગાયેવે કહ્યું હતું કે, “ભારત પાસે પહેલાથી જ અમારી S -૪૦૦ સિસ્ટમ્સ છે. આ ક્ષેત્રમાં પણ અમારા પરસ્પર સહયોગને વિસ્તૃત કરવાની શક્યતાઓ છે. તેનો અર્થ એ છે કે નવી ડિલિવરી. હાલમાં, અમે વાતચીત કરી રહ્યા છીએ.” ભારતે ૨૦૧૮ માં ૫.૫ બિલિયન ડોલરમાં ૫ જેટલી S -૪૦૦ મિસાઇલ સિસ્ટમ્સ માટે સોદો કર્યો હતો.
રશિયાનું ઓઈલ ભારત માટે પ્રતિ બેરલ ૩-૪ ડોલર સસ્તું થઈ શકે
અત્યાર સુધી રશિયા દ્વારા ત્રણ સિસ્ટમ્સ આપવામાં આવી છે. જોકે, બાકીના બેની ડિલિવરીમાં વિલંબ થયો છે. એવી શક્યતા છે કે રશિયા ૨૦૨૬ અને ૨૦૨૭ માં બાકીની ૨ S -૪૦૦ સિસ્ટમ ભારતને આપશે. ખાસ વાત એ છે કે મે મહિનામાં પાકિસ્તાન સાથેના સંઘર્ષ દરમિયાન S ૪૦૦ મિસાઇલ સિસ્ટમે મોટી ભૂમિકા ભજવી હતી. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ભારતીય સેના ૭ મેના રોજ પાકિસ્તાનમાં ઘૂસી ગઈ અને આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા.
આ દરમિયાન રશિયાએ ભારતને ઓઈલ ખરીદી પર પહેલા કરતાં વધુ મોટું ડિસ્કાઉન્ટ આપવાની તૈયારી કરી છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયાનું ઓઈલ ભારત માટે પ્રતિ બેરલ ૩-૪ ડોલર સસ્તું થઈ શકે છે. બ્રેન્ટની તુલનામાં રશિયાના યુરાલ ક્રૂડ ઓઇલ પર પ્રતિ બેરલ ૩ થી ૪ ડોલરનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.