Last Updated on by Sampurna Samachar
જાપાને ભારતમાં રોકાણને લઈને કરી મોટી જાહેરાત
૧૦ વર્ષમાં ભારતમાં ૧૦ લાખ કરોડ યેનનુ રોકાણ કરવાની જાહેરાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકા ભારત પાસેથી કુલ ૫૦ ટકા ટેરિફ વસૂલશે. ટ્રમ્પે રશિયા-ભારત વચ્ચેના સંબંધોમાં તિરાડ પાડવાના ઉદ્દેશ સાથે ભારત પર વધારાનો ૨૫ ટકા ટેરિફ લાદ્યો છે. પરંતુ ભારત ટ્રમ્પની સામે ઝૂકવાના બદલે અન્ય દેશો સાથે વેપાર કરારો કરી રહ્યું છે. ટ્રમ્પના ટેરિફનો આકરો જવાબ આપતાં ભારત રશિયા, ચીન અને હવે જાપાન સાથે ટ્રેડ ડીલ કરવા જઈ રહ્યું છે.
જાપાને આગામી ૧૦ વર્ષમાં ભારતમાં ૧૦ લાખ કરોડ યેન (અંદાજે ૬૮ અબજ ડોલર)નું રોકાણ કરવાની જાહેરાત કરી છે. જેનાથી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધો ગાઢ થશે. જાપાનનું ભારતમાં આ રોકાણ ટ્રમ્પની પ્રેશર બનાવવાની નીતિ પર ભારે પડી શકે છે.
ખાનગી ક્ષેત્રે રોકાણ બમણું કરવાની યોજના
જાપાન ભારતમાં આગામી દસ વર્ષમાં તેનું ખાનગી ક્ષેત્રે રોકાણ બમણું કરવાની યોજના ધરાવે છે. વડાપ્રધાન મોદીની બે દિવસીય જાપાન મુલાકાત દરમિયાન જાપાનના વડાપ્રધાન શિંગેરૂ ઈશિબા આ અંગે જાહેરાત કરે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. બંને દેશો ૧૭ વર્ષ બાદ પ્રથમ વખત સંરક્ષણ ક્ષેત્રે જોડાણ કરવા જોઈન્ટ ડિક્લેરેશન કરવા જઈ રહ્યા છે. આ કરાર બંને દેશોમાં સંરક્ષણ ક્ષેત્રે નડતા પડકારોને દૂર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
ટોક્યો ભારતમાં સેમિકંડક્ટર્સ, ટેલિકોમ્યુનિકેશન્સ, ખનીજ તત્તોવ, ક્લિન એનર્જી, ફાર્મા, અને એઆઈ જેવા ક્ષેત્રોમાં રોકાણ કરવાની યોજના ધરાવે છે. વધુમાં જાપાન ભારતની પ્રતિભાનો લાભ લેવાની આશા પણ ધરાવે છે. જાપાનીઝ મીડિયાના અહેવાલ પ્રમાણે, ભારત વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. જેની પાસે ટેલેન્ટેડ એન્જિનિયર્સની અમૂલ્ય સંપત્તિ છે. ટોક્યો તેની આ પ્રતિભાને શિક્ષિત કરી ભારતમાં જાપાનીઝ કંપનીઓમાં તેમનો લાભ લેવા પર ફોકસ કરી રહ્યું છે. ૨૦૩૦ સુધી જાપાનમાં મેનપાવરની અછત ૭.૯૦ લાખે પહોંચવાની શક્યતા છે. આ અછતને દૂર કરવા તે ભારતીય પ્રતિભાની સંખ્યા બમણી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. વધુમાં જાપાન ભારતીય સ્ટાર્ટઅપ્સમાં પણ રોકાણ કરવાની યોજના ધરાવે છે.