એસ . જયશંકરે કહ્યું રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા ભારતે કોઈ સસ્તો સોદો કર્યો નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રશિયા-યુક્રેન સંઘર્ષ બાદ પશ્ચિમી દેશોએ રશિયાનો બહિષ્કાર કર્યો છે, પરંતુ ભારતે પોતાની મિત્રતા જાળવી રાખી છે. વડાપ્રધાન મોદીએ હાલમાં જ રશિયાની મુલાકાત લીધી હતી. તેમજ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું જારી રાખ્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારતે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાના ર્નિણયનો બચાવ કરતાં સામો પ્રશ્ન પૂછ્યો છે કે, શું વિશ્વ પાસે ભારતની ઉર્જા જરૂરિયાતોને પૂરી કરવા માટે વધુ કોઈ સારો વિકલ્પ છે?
દોહામાં ૨૨માં ફોરમના પેનલ નવા યુગમાં સંઘર્ષ સમાધાન વિષય પર ચર્ચા કરતાં જયશંકરે જણાવ્યું હતું કે, રશિયા-યુક્રેન યુદ્ધના ત્રણ વર્ષ બાદ વિશ્વ અનુભવી રહ્યું છે કે, આ સમસ્યા માત્ર વાતચીતના માધ્યમથી જ ઉકેલાઈ શકાય. જયશંકરે સ્પષ્ટતા કરી કે, રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા ભારતે કોઈ સસ્તો સોદો કર્યો નથી. દેશની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી જરૂરી છે. આથી હું ક્રૂડ ખરીદુ છું. અને કોઈ સસ્તી ડીલ કરી નથી. શું તમારી પાસે આનાથી વધુ સારો કોઈ વિકલ્પ છે?
ભારતે હાલના વર્ષોમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની મોટાપાયે આયાત કરી છે. રશિયા હવે ભારતનો સૌથી મોટો ક્રૂડ આયાતિત દેશ બન્યો છે. જે ભારતની કુલ આયાતના ૩૫ ટકાથી વધુ હિસ્સો આયાત કરે છે.
વધુમાં જયશંકરે જણાવ્યું કે, ભારત હંમેશા યુદ્ધનો અંત ઈચ્છે છે. બંને પક્ષોને વાતચીત મારફત સમાધાન કરવા અપીલ કરી રહ્યો છે. તેના માટે સંભવિત તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. અમે મોસ્કો જઈને રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી છે, કીવ જઈને રાષ્ટ્રપતિ જેલેન્સ્કીને પણ ઉકેલ લાવવા અપીલ કરી છે. જાે કે, ભારતે કોઈ શાંતિ યોજના રજૂ કરી નથી. અમે મધ્યસ્થી નથી બન્યા, અમે વાતચીતના માધ્યમથી સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે, બંને પક્ષોને સંપૂર્ણ પારદર્શિતા સાથે માહિતી આપવામાં આવે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષની શરૂઆતમાં યુક્રેનની રાજધાની કીવની મુલાકાત લઈ રાષ્ટ્રપતિ જેલેન્સ્કીને મળ્યા હતા. વડાપ્રધાન મોદીએ ભારતના શાંતિ પક્ષમાં રહેવાની પ્રતિબદ્ધતાનો પુનઃ ઉચ્ચાર કર્યો હતો.
બીજી તરફ જેલેન્સ્કીએ ભારત પાસે યુક્રેનને સમર્થન આપવા અને સંતુલનકારી વલણ ન અપનાવવા અપીલ કરી છે. દોહા ફોરમમાં જયશંકરે સંકેત આપ્યો છે કે, વૈશ્વિક રાજનીતિમાં યથાર્થવાદ વલણ અપનાવાઈ રહ્યું છે. વાતચીતના માધ્યમથી ઉકેલ યુદ્ધની તુલના કરતાં વધુ હિતાવહ છે.