Last Updated on by Sampurna Samachar
અત્યાર સુધીમાં ૪૩.૫૭ કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ મહાકુંભમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે સંગમમાં ડૂબકી લગાવી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમની સાથે હાજર હતા. મહામહિમએ સંગમ ખાતે હોડીની સફર કરી અને પક્ષીઓને ચણ આપ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મુલાકાતને ધ્યાનમાં રાખીને શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
માતા ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતીના સંગમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આસ્થાની ડૂબકી લગાવીને સનાતન આસ્થાને મજબૂત પાયો આપ્યો. દેશના પ્રથમ નાગરિક માટે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવાનો આ એક ઐતિહાસિક ક્ષણ છે. ત્યારબાદ પોતાની ધાર્મિક શ્રદ્ધાને વધુ મજબૂત કરવા માટે તે અક્ષયવટની મુલાકાત લીધી હતી અને પૂજા પણ કરી હતી.
અત્યાર સુધીમાં ૪૩.૫૭ કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ પોતાના પરિવાર સાથે સંગમમાં ડૂબકી લગાવી હતી. હાલ પ્રયાગરાજમાં ભારે ભીડ છે. જેને ધ્યાનમાં રાખીને, અરૈલ ઘાટથી સંગમ સુધીની બોટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, સંગમ સ્ટેશન ૧૪મી ફેબ્રુઆરી સુધી બંધ રાખવામાં આવ્યું છે. પ્રયાગરાજ જંકશન પર ભીડનું સંચાલન કરવા માટે ઇમરજન્સી ભીડ વ્યવસ્થાપન યોજના લાગુ કરવામાં આવી છે.