Last Updated on by Sampurna Samachar
બંને દેશોની કસ્ટડીમાં રહેલા કેદીઓ અને માછીમારોની યાદી સોંપાઇ
૩૧ ડિસેમ્બર-૧૯૮૮માં સમજૂતી થઈ હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને પાકિસ્તાને નવા વર્ષના પહેલા જ દિવસે ૩૫ વર્ષ જૂની પરંપરા નિભાવી છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, સમજૂતી મુજબ બંને દેશોના રાજદ્વારીઓએ એકબીજાને પરમાણુ પ્રતિષ્ઠાનો અને સુરક્ષા સંબંધી માહિતીની આપ-લે કરી છે. બંને દેશોએ એકબીજાના પરમાણુ પ્રતિષ્ઠાનો પર હુમલો અટકાવવા માટે એક કરાર કર્યો હતો, જેના ભાગરૂપે આ આપ-લે કરવામાં આવી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે પોતાના પરમાણુ પ્રતિષ્ઠાનો અને પરમાણુ ફેસિલિટીઝની વિગતો એકબીજાને સોંપવા માટે ૩૧ ડિસેમ્બર-૧૯૮૮માં સમજૂતી થઈ હતી. ત્યારબાદ આ સમજૂતી ૨૭ જાન્યુઆરી-૧૯૯૧માં લાગુ કરવામાં આવી હતી. સમજૂતી મુજબ બંને દેશો દર વર્ષની પહેલી જાન્યુઆરીએ પોત-પોતાના પરમાણુ પ્રતિષ્ઠાનો અને તે સંબંધીત અન્ય માહિતી એકબીજાને શેર કરતા હોય છે. આમ બંને દેશોએ અત્યાર સુધીમાં કુલ ૩૪ વગર એકબીજાને યાદી સોંપી છે.
ભારતીય નાગરિકો અને માછીમારો પાકિસ્તાનમાં કેદ
વિદેશ મંત્રાલયે કહ્યું કે, ‘ભારત અને પાકિસ્તાને ‘કોન્સુલર એક્સેસ ૨૦૦૮’ હેઠળ બંને દેશોની કસ્ટડીમાં રહેલા કેદીઓ અને માછીમારોની પણ યાદી એકબીજાને સોંપી છે. બંને દેશોના રાજદ્વારી માધ્યમ દ્વારા આ યાદી સોંપવામાં આવી છે.
ભારતે ૩૯૧ નાગરિક કેદીઓ અને ૩૩ માછીમારોની યાદી સોંપી છે, જેમાં પાકિસ્તાન અથવા પાકિસ્તાની હોવાની આશંકા ધરાવતા લોકો સામેલ છે. જ્યારે પાકિસ્તાને ૫૮ ભારતીયો અને ૧૯૯ માછીમારોની યાદી સોંપી છે.
ભારત સરકારે પાકિસ્તાનની કસ્ટડીમાં રહેલા ભારતીય કેદીઓ, હોડી સાથે માછીમારો અને ગુમ ભારતીય સુરક્ષા કર્મચારીઓને વહેલી તકે છોડી મૂકવાની અને પરત મોકલવાની માંગ કરી છે. ભારતે પાકિસ્તાનને કહ્યું છે કે, ૧૬૭ ભારતીય માછીમારો અને સિવિલ કેદીઓની સજા પુરી થઈ ગઈ છે, તેથી તેમને વહેલી તકે મુક્ત કરી ભારત પરત મોકવવામાં આવે. ભારતે એમ પણ કહ્યું છે કે, કસ્ટડીમાં રહેલા અને ભારતીય મનાતા ૩૫ સિવિલ કેદીઓ અને માછીમારોને તાત્કાલીક કાઉન્સિલર એક્સેસ પણ આપવામાં આવે. ભારતે પાકિસ્તાન સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, જ્યાં સુધી ભારતીય નાગરિકો અને માછીમારો પાકિસ્તાનમાં કેદ છે, ત્યાં સુધી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.