Last Updated on by Sampurna Samachar
નેપાળમાં ધાર્મિક સ્થળ પર તોડફોડ બાદ મામલો બિચક્યો
નેપાળ સરકારે બીરગંજમાં સંપૂર્ણ કરફ્યુના આદેશ આપ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નેપાળમાં ભારતીય સરહદ પાસે ધાર્મિક વિવાદ મામલે પરિસ્થિતિમાં ગરમાવો થયો છે. માહિતી મુજબ બીરગંજ શહેરમાં એક ધાર્મિક સ્થળ પર તોડફોડ અને પવિત્ર ગ્રંથ સળગાવવાની ઘટના બાદ ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. વીડિયો જોતજોતાંમાં વાઈરલ થઈ જતાં હિંસા અને તણાવ વધ્યો છે.

પરિસ્થિતિને કાબૂમાં રાખવા નેપાળ સરકારે બીરગંજમાં સંપૂર્ણ કરફ્યુના આદેશ આપ્યા છે. હાઈઍલર્ટના કારણે ભારત-નેપાળ સરહદ પણ સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. મૈત્ર પૂલ સહિત સરહદના તમામ વિસ્તારોમાં અવર-જવર બંધ કરવામાં આવી છે. બીરગંજમાં માત્ર આવશ્યક સેવાઓને જ અનુમતિ આપવામાં આવી છે. સીમા સુરક્ષા દળની ટુકડીઓ સરહદ પર તૈનાત કરી દેવામાં આવી છે. ભારત-નેપાળ સરહદ પર ડોગ સ્ક્વોડની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.
ભારતીય કામદારો સ્વદેશ પરત ફરવા લાગ્યા
ઉલ્લેખનીય છે કે નેપાળના પર્સા અને ધનુષા જિલ્લામાં ઉગ્ર હિંસક દેખાવો શાંત કરવા પોલીસે આંસુ ગેસનો પ્રયોગ કર્યો હતો. કેટલાક પોલીસ જવાનો પણ ઈજાગ્રસ્ત થયા હોવાના પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.
નેપાળના ધનુષા જિલ્લાની કમલા નગરપાલિકા વિસ્તારમાં પણ પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ છે. ધાર્મિક સ્થળ પર તોડફોડની સૂચના મળતા જ અહીં પણ ઉગ્ર વિરોધ થયો હતો. તંત્રએ દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી તથા શાંતિ જાળવવા અપીલ કરી છે.
બીરગંજ તથા તેના આસપાસના વિસ્તારોમાં કામ કરતાં ભારતીય કામદારો સ્વદેશ પરત ફરવા લાગ્યા છે. તેમનું કહેવું છે કે અહીં તમામ દુકાનો અને બજાર બંધ હોવાથી રોકાવવાનો કોઈ ફાયદો નથી. પરિસ્થિતિ સામાન્ય થાય ત્યારે પરત ફરીશું.
નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ એક ધાર્મિક સ્થળ પર તોડફોડ અને ધાર્મિક ગ્રંથ સળગાવવાનો આરોપ લગવાયો હતો. જે બાદ આસપાસના વિસ્તારોમાં પણ તણાવ વધ્યો. એક જૂથના વિરોધ વચ્ચે અન્ય જૂથ તરફથી પણ ધાર્મિક ટિપ્પણીઓનો આરોપ લગાવાયો. જેના કારણે પરિસ્થિતિ વધુ બગડી. હાલ કરફ્યુ લગાવી તંત્ર પરિસ્થિતિ કાબૂ લેવા પ્રયાસ કરી રહ્યું છે.