Last Updated on by Sampurna Samachar
હાલમાં ભારતીય નિકાસ પર ૧૦% ટેરિફ લાગુ
અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસન્ટે આપી જાણકારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફના મામલે હવે ભારત માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત ટૂંક સમયમાં અમેરિકા સાથે ટ્રેડ ડીલ એટલે કે દ્વિપક્ષીય વેપાર કરાર કરનાર પ્રથમ દેશ બની શકે છે.

અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસન્ટે આ અંગે જાણકારી આપી હતી કે, ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર કરાર અંતિમ તબક્કામાં છે. જો આ ડીલ ડન થઈ જશે તો ભારત ટ્રમ્પની રેસિપ્રોકલ ટેરિફ નીતિ પર હસ્તાક્ષર કરનાર પહેલો દેશ બની શકે છે. એમાં પણ આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે ડી વેન્સ ભારતના પ્રવાસે છે.
ભારત સાથે ડીલ કરવી પ્રમાણમાં સરળ
અમેરિકા હાલમાં ભારતીય નિકાસ પર ૧૦% ટેરિફ લાદી રહ્યું છે પરંતુ તેણે ૨૬% સુધીની વધુ ટેરિફ લાદવાની ધમકી આપી છે, જે ૯૦ દિવસ માટે એટલે કે ૮ જુલાઈ સુધી સ્થગિત કરવામાં આવી છે. બેસન્ટે વોશિંગ્ટનમાં આ મામલે જણાવ્યું હતું કે, ભારતમાં ઊંચા ટેરિફ નથી, ઓછા નોન-ટેરિફ અવરોધો છે. ચલણમાં પણ કોઈ હેરફેર નથી, કોઈ મોટી સબસિડી નથી. તેથી ભારત સાથે ડીલ કરવી પ્રમાણમાં સરળ છે.