Last Updated on by Sampurna Samachar
ચોમાસા સત્રમાં અખિલેશ યાદવે સરકાર પર કર્યા પ્રહારો
સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ સવાલોનો આપ્યો જવાબ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સંસદમાં ચોમાસા સત્રનો છઠ્ઠા દિવસે સંસદના બંને ગૃહોમાં ઓપરેશન સિંદૂર અને પહલગામ હુમલા મુદ્દે ચર્ચા ચાલી હતી. સત્તાધારી પક્ષ અને વિપક્ષો વચ્ચો જોરદાર ચર્ચા જોવા મળી હતી. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે કહ્યું કે, ‘ભારતને પાકિસ્તાન કરતા સૌથી વધુ ચીનથી ખતરો છે. ચીન આપણું માર્કેટ અને જમીન બંને છિનવી લેશે. પહલગામ હુમલા માટે જવાબદાર કોણ છે? શું ભારતે સરહદના વિસ્તારોમાં ચીનથી વધુ શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે.

અખિલેશ યાદવે સરકારને પૂછ્યું કે, ‘ ભારતનું ક્ષેત્રફળ ૨૦૧૪ માં કેટલું હતું અને હવે કેટલું છે ? ભાજપ સત્તામાં આવ્યું તે પહેલા અને હવે ભારતનું કેટલું ક્ષેત્રફળ છે? ચીન સામે મુકાબલો કરવા માટે તમારી તૈયારી શું છે? શું સરકાર પાસે પેંગોગ ઝીલ, ગલવાન ખીણ મામલે જવાબ છે કે નહીં?
હકીકતની યોગ્ય જાણકારી રાખવી ખૂબ જ જરૂરી
અખિલેશ યાદવના સવાલનો જવાબ આપતા સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ એ કહ્યું કે, ‘૧૯૬૨ના યુદ્ધ બાદ ચીને ભારતના ક્ષેત્રમાંથી એક ઈંચ પણ ઘુસણખોરી કરી નથી કે અરુણાચલ પ્રદેશમાં કોઈ વધારાની જમીન પર કબજો કર્યો નથી. હું અરૂણાચલપ્રદેશનો છું અને અખિલેશે કહી રહ્યા છે કે, ચીને તે રાજ્યમાં ઘૂસણખોરી કરી છે? મને લાગે છે કે, ચીનના નિયંત્રણાં જે વિસ્તાર છે, તે પહેલેથી અથવા ૧૯૬૨ના યુદ્ધ દરમિયાન કબજામાં આવ્યો હતા.’ તેમણે એમ પણ કહ્યું કે, ‘રાષ્ટ્રીય સુરક્ષા જેવા ગંભીર વિષયો પર બોલતી વખતે હકીકતની યોગ્ય જાણકારી રાખવી ખૂબ જ જરૂરી છે.
