Last Updated on by Sampurna Samachar
૧૫ ઓવરમાં જ પ્રાપ્ત કરી લીધા ૧૧૩ રન
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૩૧
ભારતીય મહિલા ટીમે સતત બીજી વખત અંડર ૧૯ ટી૨૦ વર્લ્ડ કપની ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. સેમિફાઈનલ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને માત આપી અને પોતાનું સ્થાન પાક્કું કર્યું. નિકી પ્રસાદની કેપ્ટનશિપવાળી ભારતીય ટીમ અત્યાર સુધી ટુર્નામેન્ટમાં અજેય છે. પહેલી મેચમાં મેજબાન મલેશિયાને દસ વિકેટથી હરાવ્યા બાદ ભારતે શ્રીલંકાને ૬૦ રનથી અને બાંગ્લાદેશને આઠ વિકેટથી હરાવ્યું.
સુપર સિક્સ તબક્કામાં સ્કોટલેન્ડને ૧૫૦ રનથી માત આપી. ભારતે સેમિફાઈનલમાં પણ આ ક્રમ ચાલુ રાખ્યો. ખિતાબ માટે તેનો સામનો સાઉથ આફ્રિકા સાથે થશે. જેણે અન્ય સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને માત આપી.
ઈંગ્લેન્ડની ટીમે પહેલી બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૧૧૩ રન બનાવ્યા. ભારતીય ટીમે આ લક્ષ્ય ૧૫ ઓવરમાં જ પ્રાપ્ત કરી લીધું. ભારતીય ટીમ સતત બીજી વખત ફાઈનલમાં પહોંચી. વર્ષ ૨૦૨૩માં પહેલી વખત થયેલી આ ટુર્નામેન્ટની ફાઈનલમાં પણ ભારતે ઈંગ્લેન્ડને જ હરાવીને ખિતાબ પોતાના નામે કર્યું હતું.
ભારતીય ટીમને જીત માટે ૧૧૪ રનનું લક્ષ્ય મળ્યું હતું. જી કમાલિની અને જી તૃષા ઓપનિંગ કરવા ઉતરી. બંનેની વચ્ચે પહેલી વિકેટ માટે ૬૦ રનની ભાગીદારી થઈ. તૃષા ૨૯ બોલમાં ૩૫ રન બનાવીને આઉટ થઈ. તેણે પોતાની ઈનિંગમાં પાંચ ચોગ્ગા માર્યા. ભારતે તે બાદ કોઈ વિકેટ ગુમાવી નહીં. કામલિની અને સાનિકા ચલકેએ ટીમને ૧૫ ઓવરમાં જ જીત સુધી પહોંચાડી દીધી. કામલિનીએ ૫૦ બોલમાં ૫૬ રન બનાવ્યા. તેની ઈનિંગમાં ૮ ચોગ્ગા સામેલ હતાં. સાનિકાએ ૧૨ બોલમાં ૧૧ રન બનાવ્યા. તેની ઈનિંગમાં એક જ ચોગ્ગા માર્યો.
ટ્રુડી જોનસન (૦૦) સ્વીપ રમનારી પહેલી ખેલાડી હતી જે પારુનિકાના બોલ પર બોલ્ડ થઈ. ડેવિના પેરિન અને નોરગ્રોવને ત્રીજી વિકેટ માટે ૪૪ રનની ભાગીદારી કરી જેનાથી ઈંગ્લેન્ડે ૧૦ ઓવરમાં બે વિકેટ પર ૭૩ રન બનાવ્યા. ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ અંતિમ ૧૦ ઓવરમાં સતત સ્વીપ શોટ રમીને વિકેટ ગુમાવી અને આ દરમિયાન ટીમ માત્ર ૪૦ રન જ બનાવી શકી અને તેણે છ વિકેટ ગુમાવી દીધી. નોરગ્રોવ, પેરિન, ચાર્લોટ સ્ટબ્સ (૦૪) અને કેટી જોન્સ (૦૦) એ ખરાબ શોટ રમીને વિકેટ ગુમાવી. ઈંગ્લેન્ડે ૧૬ મી ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી અને સમગ્ર ઈનિંગ ડગમગાઈ.
સ્ટબ્સ સિવાય પ્રિશા થાનાવાલા અને ચાર્લોટ લેમ્બર્ટે ત્રણ બોલના અંતરમાં આઉટ થઈ ગયા. જેનાથી ઈંગ્લેન્ડનો સ્કોર આઠ વિકેટ પર ૯૨ રનનો થઈ ગયો. અંતિમ ચાર ઓવરમાં નીચલા ક્રમના બેટ્સમેનોએ ટીમનો સ્કોર ૧૦૦ રનની પાર પહોંચવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી પરંતુ આ રન અપૂરતા હતાં.