Last Updated on by Sampurna Samachar
ભારતે ૭૬માં ગણતંત્ર દિવસની ઉજવણી માટે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખને આપ્યું આમંત્રણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતે ઈન્ડોનેશિયા સાથેના સંબંધોને ગાઢ બનાવી પાકિસ્તાનની સાથે સાથે ચીનને પણ ઝટકો આપ્યો છે. ભારતે ઈન્ડોનેશિયા સાથે રક્ષા સંબંધોને મજબૂત બનાવી હિન્દ મહાસાગરમાં ચીનને ઘેર્યું છે. બીજી તરફ વિશ્વના સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઈન્ડોનેશિયા સાથે મિત્રતા કેળવી પાકિસ્તાનને ઝટકો આપ્યો છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હિન્દ મહાસાગરમાં ચીનના પડકારને ઉકેલવા ભારત એશિયન દેશો સાથે ગાઢ સંબંધ સ્થાપી રહ્યું છે. ઈન્ડો-પેસિફિક દેશો સાથે રક્ષા અને વેપાર સંબંધો મજબૂત બનાવી ભારત ચીનની દખલગીરી ઘટાડવાના પ્રયાસ કરી રહ્યો છે. આ દિશામાં ઈન્ડોનેશિયા સાથે મજબૂત સંબંધ ચીનનો પ્રભાવ ઘટાડવા મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
બીજી તરફ પાકિસ્તાન ઈસ્લામિક દેશો સાથે મળી કાશ્મીર અને લઘુમતીના મુદ્દે નવા-નવા ષડયંત્રોને અંજામ આપે છે. પરંતુ ભારતની ઈન્ડોનેશિયા સાથેની મિત્રતા પાકિસ્તાનના આ ષડયંત્રોને નબળા કરશે. વડાપ્રધાન મોદીએ ૨૦૧૮માં ઈન્ડોનેશિયાની સત્તાવાર મુલાકાત લીધી હતી. બંને દેશોએ દ્વિપક્ષીય સંબંધો સ્થાપિત કરવા ભાગીદારી કરી હતી.
તદુપરાંત મોદીએ ગતવર્ષે રિયો-ડી-જેનેરિયોમાં રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સાથે મુલાકાત કરી હતી. ભારત અને ઈન્ડોનેશિયાએ ૨૦૧૮માં રક્ષા સંબંધોને મજબૂત બનાવવા એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. બાદમાં બંને દેશોની સેનાએ સંયુક્ત યુદ્ધાભ્યાસ શરૂ કર્યો હતો. ૧૯૯૭માં અંતરિક્ષ ક્ષેત્રમાં પણ જાેડાણ કર્યું હતું. ભારત ઈન્ડોનેશિયાને દવાઓ અને ઉપચાર સાધનોની નિકાસ કરે છે. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. તે દરમિયાન રાજનીતિ, રક્ષા, સુરક્ષા સહયોગ, વેપાર વગેરે વિષયો પર ચર્ચા કરશે. અન્ય ઘણા વેપાર કરાર થવાની શક્યતા પણ છે.
ભારતે પોતાના ૭૬માં ગણતંત્ર દિવસની ઉજવણી માટે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખને અતિથિ વિશેષ તરીકે આમંત્રણ આપ્યું છે. રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાંતો ચોથી વખત અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે. આ મુલાકાતમાં ભારત ઈન્ડોનેશિયાને બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલ વેચવાના ર્નિણયને અંતિમ સ્વરૂપ આપી શકે છે. જાે કે રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રબોવોની આ પ્રથમ ભારત મુલાકાત છે. સુબિયાંતોની સાથે ૩૫૨ સભ્યોની માર્ચિંગ અને બેન્ડ ટુકડી પણ પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેશે.
પ્રથમ વખત ઇન્ડોનેશિયાની માર્ચિંગ અને બેન્ડ ટુકડી દેશની રાષ્ટ્રીય ઉજવણીમાં ભાગ લેશે.ભારતમાં નિર્મિત બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના ઘણા દેશોને ચીન સામે સ્વરક્ષણ પૂરુ પાડતાં સુરક્ષા કવચ પ્રદાન કરશે. ફિલિપાઈન્સ બાદ હવે ઈન્ડોનેશિયા પણ ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઈલ ખરીદવા જઈ રહ્યું છે. મલેશિયા અને વિયેતનામ નામના અન્ય બે દેશોએ તેમાં રસ દાખવ્યો છે, થાઈલેન્ડ તરફથી પણ સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. સૂત્રો મુજબ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોની ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ૪૫ કરોડ ડોલરના બ્રહ્મોસ ખરીદીના સોદાને મંજૂરી મળી શકે છે.