Last Updated on by Sampurna Samachar
ડયૂટી પાંચ વર્ષના સમયગાળા માટે રહેશે
DGTR ની ભલામણ બાદ લેવાયો નિર્ણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતે ચીનથી આવતા સસ્તા સામાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી પાંચ વર્ષ માટે એન્ટી ડમ્પિંગ ડ્યુટી ઝીંકવાનો ર્નિણય લીધો છે. ચીન સસ્તા ભાવે ભારતમાં એલ્યુમિનિયમ ફૉઈલ, વેક્યૂમ ફ્લાસ્ક, સૉફ્ટ ફેરાઈટ કોર્સ અને ટ્રાઈક્લોરો આઈસોસિનોરિક એસિડ પ્રોડક્ટ આયાત કરાતો હતો, જેના પર ભારતે આ શુલ્ક ઝીંકી દીધો છે.
ભારતે સ્ટીલ ઉદ્યોગની સતત માંગને ધ્યાને રાખી તેમજ સ્થાનિક કંપનીઓને સસ્તી આયાતથી બચાવવા માટે આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે. વાણિજ્ય મંત્રાલયના તપાસ એકમ DGTR ની ભલામણ બાદ ચીનની ચાર પ્રોડક્ટ પર શુલ્ક ઝીંકાયો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ પરોક્ષ કર અને કસ્ટમ્સ, મહેસૂલ વિભાગે અલગ સૂચનાઓમાં આ માહિતી આપી છે.
વેપારને સંતુલનમાં રાખવા માટે પગલાં લીધા
કેન્દ્ર સરકારે કામચલાઉ ધોરણે એટલે કે છ મહિના માટે ચીનથી આયાત થતા એલ્યુમિનિયમ ફોઈલ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદી છે. આ ઉપરાંત સરકારે ચીન-જાપાનથી આયાત થતા પ્રતિ ટન એસિડ પર ૨૭૬થી ૯૮૬ ડૉલરનો ડ્યુટી ઝીંકી છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વના તમામ દેશો વચ્ચે આયાત-નિકાસનો વેપાર થાય છે. સરકાર વેપારને સંતુલનમાં રાખવા માટે અવાર-નવાર આવા પગલા ભરતી હોય છે.
ઓક્ટોબર-૨૦૨૪માં ભારતે સ્થાનિક કંપનીઓને ચીનમાંથી સસ્તી આયાતથી બચાવવા માટે પાંચ વર્ષ માટે ગ્લાસ મિરર્સ અને સેલોફેન ટ્રાન્સપરન્ટ ફિલ્મો સહિત પાંચ ચીની પ્રોડક્ટ્સ પર એન્ટિ-ડમ્પિંગ ડયૂટી લાદી હતી.
ચીનમાંથી સસ્તા ભાવે આયાત કરવામાં આવતા આઇસોપ્રોપીલ આલ્કોહોલ, સલ્ફર બ્લેક, સેલોફેન ટ્રાન્સપરન્ટ ફિલ્મ, થર્મોપ્લાસ્ટીક પોલીયુરેથીન અને ફ્રેમલેસ ગ્લાસ મિરર્સ પર આ ડયુટી લાદવામાં આવી હતી. આ સામાન ચીનથી સામાન્ય કરતાં ઓછી કિંમતે આયાત કરવામાં આવી રહ્યો હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સએ પાંચ અલગ-અલગ નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, આ ડયૂટી પાંચ વર્ષના સમયગાળા માટે લાદવામાં આવશે.