Last Updated on by Sampurna Samachar
અમેરિકાના ઊર્જા સચિવ ક્રિસ રાઈટનું મોટું નિવેદન
ભારત-રશિયા અંગે ચોંકાવનારનું નિવેદન
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા પાસેથી તેલ ખરીદવાને લઈ વારંવાર ભારત પર પ્રહારો કરતા રહ્યા છે, ત્યારે હવે અમેરિકાના ઊર્જા સચિવ ક્રિસ રાઈટે ભારત-રશિયા અંગે ચોંકાવનારનું નિવેદન આપ્યું છે. રાઈટની વાત પરથી અમેરિકા ભારતને ઓફર આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત તેમની વાત પરથી ટ્રમ્પે ભારત સાથે પંગો લઈને પાછી પાની કરી હોવાનું પણ લાગી રહ્યું છે.
રાઈટે કહ્યું છે કે, ‘અમેરિકા ભારતને સજા આપવા નથી માંગતું. ભારત પાસે તેલ ખરીદવાના ઘણા વિકલ્પો છે. અમારી પાસે પણ વેચવા માટે તેલ છે અને અમે ભારત-સાથે અનેક ક્ષેત્રોમાં ભાગીદારી બનાવવા માંગીએ છીએ.’ ન્યુયોર્કના ફોરેન પ્રેસ સેન્ટરમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન રાઈટે કહ્યું કે, ‘વિશ્વના અનેક દેશો ક્રૂડ ઓઈલ વેચી રહ્યા છે, તેથી ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાની જરૂર નથી.
રશિયા ડિસ્કાઉન્ટ પર તેલ આપવા મજબૂર
ભારત એટલા માટે ક્રૂડ ખરીદી રહ્યું છે, કારણ કે રશિયા તેમને સસ્તુ આપી રહ્યું છે. કોઈપણ દેશ રશિયા પાસેથી તેલ ખરીદવા ઈચ્છતું નથી, તેથી જ રશિયા ડિસ્કાઉન્ટ પર તેલ આપવા મજબૂર થયું છે. એક એવો દેશ દર અઠવાડિયે હજારો લોકોની હત્યા કરી રહ્યો છે, તેવા દેશ પાસેથી તેલ ખરીદવાનો ભારતનો ર્નિણય આ મુદ્દા પરથી નજર હટાવવા જેવો છે’
તેમણે વધુમાં કહ્યું કે, ‘મારું માનવું છે કે, ભારત વિશ્વના કોઈપણ દેશ પાસેથી તેલ ખરીદી શકે છે, સિવાય કે રશિયા પાસેથી. અમેરિકા પાસે પણ વેચવા માટે તેલ છે. અમે ભારતને સજા આપવા નથી માંગતા, અમે યુદ્ધ સમાપ્ત કરવા માંગીએ છીએ અને ભારત પણ યુદ્ધ ખતમ કરવા ઈચ્છે છે. અમે ભારત સાથે અમારા સંબંધો વધારવા માંગીએ છીએ. અમેરિકા ભારતને ગ્લોબલ એનર્જી બિઝનેસમાં એક શાનદાર સહયોગી અને મુખ્ય ભાગીદાર તરીકે જુએ છે.’
રાઈટે એમ પણ કહ્યું કે, ‘ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ, અમેરિકાનો એક શાનદાર ભાગીદાર, ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા અને એક ગતિશીલ સમાજ છે. હું ભારતનો ખૂબ મોટો ફેન છું. અમે ભારતને પ્રેમ કરીએ છીએ. અમે ભારત સાથે વધુ ઊર્જા વેપાર વધારવાની આશા રાખીએ છીએ.’ તેમણે કુદરતી ગેસ, કોલસો, પરમાણુ ઊર્જા જેવા ઘણા ક્ષેત્રોમાં ભારત સાથે સહયોગ વધારવા પર પણ ભાર મૂક્યો છે.