ભારત-ફ્રાંસ વચ્ચે ૬૩,૦૦૦ કરોડના મોટા સોદા પર હસ્તાક્ષર

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ભારતે પોતાની સંરક્ષણ શક્તિ વધારવા રાફેલ-એમ લડાકૂ વિમાનની કરી ડિલ

આ ૨૬ રાફેલ મરીન ફાઈટર એરક્રાફ્ટ ભારતીય નેવી માટે

(સંપૂર્ણ સમાચાર સેવા)

ભારત અને ફ્રાન્સે ભારતીય નૌકાદળ માટે ૨૬ રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદવા માટે રૂપિયા ૬૩,૦૦૦ કરોડના મોટા સોદા પર હસ્તાક્ષર કર્યા છે. ભારતીય પક્ષનું પ્રતિનિધિત્વ સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે કર્યું હતું, જ્યાં નૌકાદળના વાઇસ ચીફ વાઇસ એડમિરલ કે સ્વામીનાથન હાજર હતા. ભારતીય નૌકાદળના કાફલામાં ૨૬ રાફેલ મરીન એરક્રાફ્ટ સામેલ થશે. રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહ અને વાઈસ ચીફ ઓફ નેવલ સ્ટાફ વાઈસ એડમિરલ કે. સ્વામીનાથનની હાજરીમાં આ કરારની આપ-લે કરવામાં આવી હતી.

એક તરફ ભારત પહલગામ હુમલાના દોષિતો સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. આ સાથે ભારત પોતાની સંરક્ષણ શક્તિ વધારવામાં વ્યસ્ત છે. ત્યારે ભારત અને ફ્રાન્સ વચ્ચે સૌથી મોટી ડિફેન્સ ડીલ થઈ  છે. ભારત ફ્રાન્સ પાસેથી ૨૬ રાફેલ મરીન ફાઈટર જેટ ખરીદવા માટે કરાર કર્યા છે. આ ડીલ લગભગ ૬૩ હજાર કરોડ રૂપિયાની છે. આ ૨૬ રાફેલ મરીન ફાઈટર એરક્રાફ્ટ ભારતીય નેવી માટે હશે. આ ડીલને થોડા સમય પહેલા સંરક્ષણ પરની કેબિનેટ કમિટીએ મંજૂરી આપી હતી. આ અંતર્ગત ફ્રાન્સ ભારતને ૨૨ સિંગલ-સીટર અને ૪ ટ્વિન-સીટર રાફેલ આપશે.

 બંને સંરક્ષણ મંત્રીઓ રહ્યા હાજર

ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુ ૨૭ એપ્રિલે ભારત આવવાના હતા, પણ આતંકવાદી હુમલાને લીધે સર્જાયેલી તંગદિલીને લીધે તેમણે ભારતની યાત્રા મુલતવી રાખી હતી. તેથી હવે બંને દેશોના સુરક્ષા અધિકારીઓએ નવી દિલ્હીમાં આ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. બંને દેશના સંરક્ષણ મંત્રી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ મીટિંગમાં હાજર રહ્યા હતા.

ખાસ વાત એ છે કે રાફેલ ફાઈટર એરક્રાફ્ટની ડીલ પર હસ્તાક્ષર થયા છે. તે ભારતીય નૌકાદળ માટે છે. તમામ રાફેલ વિમાન INS વિક્રાંતથી ઓપરેટ થશે. હાલમાં MIG-29S INS વિક્રાંત પર તૈનાત છે. રાફેલ મરીન પ્લેન મિગ-૨૯નું સ્થાન લેશે. આજે, રાફેલ મરીન એરક્રાફ્ટ ફ્લીટની જાળવણી, લોજિસ્ટિક સપોર્ટ, કર્મચારીઓની તાલીમ અને સ્વદેશી ઉત્પાદન પર પણ એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. ભારતની આ ડીલથી પાકિસ્તાન ભયમાં છે. કારણ કે પહેલગામ હુમલા બાદ ભારતે INS વિક્રાંતને અરબી સમુદ્રમાં તૈનાત કરી દીધા છે.

રાફેલને લઈને ફ્રાન્સ સાથે ભારતનો આ બીજો કરાર છે. અત્યાર સુધી ફ્રાન્સે ભારતને ૩૬ રાફેલ ફાઈટર જેટ પ્લેન આપ્યા છે. જેઓ ભારતની સરહદો પર પોતાની ગર્જનાથી દુશ્મનોમાં ડરનો માહોલ બનાવી રહ્યા  છે. વાયુસેનામાં ૩૬ રાફેલ ફાઇટર પ્લેન તૈનાત છે અને તેના માટે વાયુસેનાએ અંબાલા અને હાશિમારામાં બે સ્ક્વોડ્રનની રચના કરી છે. હવે નવી રાફેલ ડીલ થઈ છે. આ અંતર્ગત ભારતીય નૌસેનાને મળેલા તમામ ૨૬ રાફેલ વિમાનો આપવામાં આવશે. તેમને INS  વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે. જે INS વિક્રમાદિત્ય પછી ભારતનું બીજું એરક્રાફ્ટ કેરિયર છે.

૬.૬ અબજ યુરો એટલે કે ૬૩,૮૮૭ કરોડ રૂપિયાના આ સોદામાં ભારતને ૨૨ નંગ સિંગલ-સીટ રાફેલ-એમ (RAFALE-M) જેટ અને ૪ નંગ ટ્વીન-સીટ જેટ એમ કુલ ૨૬ નંગ પ્લેન મળશે. એ ઉપરાંત આ રકમમાં શસ્ત્રો, સિમ્યુલેટર, ક્રૂને આપવામાં આવનારી તાલીમ, વિમાનોની જાળવણી સહાય તથા પાંચ વર્ષ માટે પ્રદર્શન-આધારિત લોજિસ્ટિક્સનો સમાવેશ થાય છે.

ભારતીય વાયુસેના દ્વારા હાલમાં જે ૩૬ નંગ રાફેલ વિમાનો ઉપયોગમાં લેવાઈ રહ્યા છે એના સ્પેરપાર્ટ્સ અને સાધનોનો પણ આ ડીલનાં સમાવેશ થાય છે. આ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો વિદેશી સંરક્ષણ સોદો છે.

રાફેલ જેવા અત્યાધુનિક ફાઈટર જેટ પ્લેનના નિર્માણ અને પરીક્ષણમાં ખાસ્સો સમય લાગતો હોવાથી વર્તમાન સોદાની ડિલિવરી મેળવવા માટે ભારતે ઓછામાં ઓછા ચાર વર્ષ રાહ જોવી પડશે. પહેલો બેચ ૨૦૨૯ ના અંત સુધીમાં મળવાની અપેક્ષા છે, જ્યારે સમગ્ર ઓર્ડર ૨૦૩૧ સુધીમાં પૂરો પાડવામાં આવશે. આ વિમાનો INS  વિક્રમાદિત્ય અને INS વિક્રાંત જેવા વિમાનવાહક જહાજો પરથી સંચાલિત થશે.

શું છે રાફેલની ખાસિયતો?

રાફેલ જેટ એક મલ્ટિ-રોલ ફાઈટર વિમાન છે, જે વિવિધ પ્રકારના મિશન પાર પાડી શકે છે. તેની મુખ્ય ખાસિયતો નીચે મુજબ છે.

–              મલ્ટિરોલ ક્ષમતા: રાફેલ એર ટુ એર (આકાશમાં દુશ્મન વિમાનો સાથે લડવા) અને એર ટુ લેન્ડ (આકાશમાંથી જમીન પરના લક્ષ્યાંકો પર) હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. તે દુશ્મનના દરિયાઈ જહાજો પર પણ હુમલો કરી શકે છે અને જાસૂસી મિશનો પણ પાર પાડી શકે છે.

–              ચીલ ઝડપ: રાફેલ મહત્ત્મ ૧,૯૧૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઊડી શકે છે. ઊંચાઈ મેળવવાની દ્રષ્ટિએ રાફેલ વિશ્વનું સૌથી અદ્યતન ફાઈટર એરક્રાફ્ટ છે. તે ફક્ત એક જ મિનિટમાં ૧૮૦૦૦ મીટર એટલે કે ૧૮ કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચી જાય છે.

–              લાંબુ અંતર કાપવાની ક્ષમતા: રાફેલની ‘કોમ્બેટ રેન્જ’ (હુમલા માટે દુશ્મન ક્ષેત્રમાં જઈને પાછા ફરવાની રેન્જ) લગભગ ૧,૮૫૦ કિલોમીટર છે. તેની ‘ફેરી રેન્જ’ (ઈંધણ ટાંકીઓ પૂરેપૂરી ભર્યા પછી સળંગ ઉડવાની રેન્જ) ૩,૭૦૦ કિલોમીટર જેટલી છે.

–              અત્યાધુનિક એવિઓનિક્સ: રાફેલ અદ્યતન એવિઓનિક્સ સિસ્ટમ્સ ધરાવે છે, જે એની કાર્યક્ષમતામાં વધારો કરે છે.

–              વ્યાપક શસ્ત્રાગાર: રાફેલ વિમાન અનેક પ્રકારના હળવા અને વજનદાર મારક શસ્ત્રોનું વહન કરી શકે છે. તે પરમાણુ શસ્ત્રો વાપરવાની ક્ષમતા પણ ધરાવે છે.

–              હવામાં ઇંધણ ભરવાની ક્ષમતા: હવામાં ઉડતું હોય ત્યારે પણ રાફેલમાં ઈંધણ ભરી શકાય છે, જેને લીધે તે લાંબા સમય સુધી હવામાં સવાર રહી શકે છે. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં આ બહુ ઉપયોગી પાસું સાબિત થઈ શકે છે.

–              સાંકડી જગ્યામાં ઉતરવાની ક્ષમતા: રાફેલ સાંકડી જગ્યામાં ઉતરાણ કરવામાં સક્ષમ છે, જેને લીધે તેનું સંચાલન નાના હવાઈ મથકો અને વિમાનવાહક જહાજો પરથી પણ સલામતિપૂર્વક કરી શકાય છે.

–              વિષમ હવામાન પરિસ્થિતિઓમાં પણ કાર્યક્ષમ: વિષમ હવામાન હોય ત્યારે પણ રાફેલ ઉડાન ભરવા અને સલામત લેન્ડિંગ કરવા માટે સક્ષમ છે.

–              ડિઝાઈન સુવિધાઓ: રાફેલમાં ડેલ્ટા વિંગ્સ અને ટ્વીન એન્જિન છે, જે તેને વધુ સારી ગતિ અને સંચાલન ક્ષમતા આપે છે.

ભારતીય વાયુસેના પાસે હાલમાં ૩૬ રાફેલ જેટ છે, જે અંબાલા (હરિયાણા) અને હાશીમારા (પશ્ચિમ બંગાળ) ખાતેની બે સ્ક્વોડ્રનમાં વહેંચાયેલા છે. યુદ્ધકળાની દૃષ્ટિએ જોઈએ તો રાફેલ ખૂબ જ ‘ગુણવાન’ ફાઈટર જેટ છે, તેથી નવા રાફેલના સમાવેશથી ભારતના નૌકાદળની શક્તિમાં ખાસ્સો વધારો થશે. ચીન અને પાકિસ્તાન પાસે આ લાખેણું ફાઈટર જેટ નથી. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી દાદાગીરી સામે ઝીંક ઝીલવા માટે રાફેલ ભારતીય નૌકાદળને મજબૂત ટેકો આપશે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.