ઈન્ડસ્ટ્રીને રૂ. ૨૨,૪૦૦ કરોડનું જંગી નુકસાન વેઠવું પડ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતની એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રી દુનિયાની સૌથી મોટી ઈન્ડસ્ટ્રીઝમાંની એક મનાય છે. ભારતમાં બોલિવૂડ જ નહીં, દક્ષિણ ભારતની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ફિલ્મો પણ વર્ષેદહાડે કરોડોનું ટર્નઓવર કરે છે. આ સિવાય ભોજપુરી, પંજાબી, મરાઠી, આસામી અને ગુજરાતી ફિલ્મો પણ ખરી.
આ તમામ ઈન્ડસ્ટ્રીઝનો બિઝનેસનો વાર્ષિક આંકડો ખૂબ જ મોટો છે. જોકે, આ ઈન્ડસ્ટ્રી પર હંમેશા પાઈરસીનું ગ્રહણ લાગેલું હોય છે. વર્ષ ૨૦૨૩માં પણ કારણે ઈન્ડસ્ટ્રીને રૂ. ૨૨,૪૦૦ કરોડનું જંગી નુકસાન થયું છે. ફિલ્મ ગમે એટલી સારી હોય તો પણ એને નુક્સાન સહન કરવું પડે છે, અને આનું સૌથી મોટું કારણ છે પાઇરસી.
કેપિટલ માર્કેટમાં સર્વિસ પ્રોવાઇડ કરતી કંપની ઈરૂ અને ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ, ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ૨૦૨૩માં ૨૨,૪૦૦ કરોડ રૂપિયાનું નુક્સાન ફક્ત પાઇરસીના કારણે થયું છે.પાઇરસીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. ફિલ્મ રિલીઝ થતા જ સાંજ સુધીમાં કે બીજા દિવસે તેની કોપી માર્કેટમાં ફરતી થાય છે. આ માટે સરકાર દ્વારા ટોરેન્ટ જેવી અનેક સાઇટ્સને બંધ પણ કરવામાં આવી છે.
આમ છતાં, પાઇરસી અટકવાનું નામ નથી લેતી. ‘ધ રોબ રિપોર્ટ’ મુજબ ભારતમાં ૫૧ ટકા યુઝર્સ પાઇરેટેડ કન્ટેન્ટ જુએ છે.કેટલાક ઇન્ડસ્ટ્રી નિષ્ણાતોનું કહેવું છે કે, આ નાણાકીય નુક્સાન ઉપરાંત ૪,૩૦૦ કરોડ રૂપિયાનું નુક્સાન થાય છે. ફિલ્મનો બિઝનેસનું ટર્નઓવર દર વર્ષે વધતું જાય છે. ભારતમાં OTT પ્લેટફોર્મ પણ ખૂબ જ ઝડપથી વિકસિત થઈ રહ્યા છે. આ કારણસર નુકસાનને અટકાવવા માટે પાઇરસીને નવા કાયદા ઘડીને અટકાવવી ખૂબ જ જરૂરી છે.પાઇરસી અટકાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને પણ પાઇરસી અટકાવી શકાય છે. સખત નિયમો અને ટેન્કોલોજીનો ઉપયોગ કરીને ઓનલાઇન પાઇરસીને બ્લોક કરવી એજ એક વિકલ્પ છે.જો પાઇરસી કાબુમાં આવી જાય તો પણ એન્ટરટેઇન્મેન્ટ ઈન્ડસ્ટ્રીને જંગી ફાયદો થઈ શકે છે. આ લાભ ફિલ્મ પ્રોડ્યુસર, ડિરેક્ટર કે એક્ટરને જ નહીં, પરંતુ નાના ટેન્કિશિયનો, કેમેરામેન, રાઈટર, સ્પોટ બોય વગેરેને મળી શકે એમ છે.