Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાન માટે ભારતનું હવાઈ ક્ષેત્ર ૨૪ જુલાઈ સુધી બંધ રહેશે
પાકિસ્તાન સામે ઘણા કડક પ્રતિબંધો લાદ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત દ્વારા પાકિસ્તાનને મોટો ઝટકો લાગે તેવી જાહેરાત કરવામાં આવી છે. ભારતે પાકિસ્તાની એરલાઇન કંપનીઓ દ્વારા સંચાલિત ફ્લાઇટ્સ માટે હવાઈ ક્ષેત્ર બંધ રાખવાનો સમયગાળો ૨૪ જુલાઈ સુધી એક મહિના માટે લંબાવ્યો છે.
તમને જણાવી દઈએ કે ૩૦ એપ્રિલથી, ભારતીય હવાઈ ક્ષેત્ર પાકિસ્તાની એરલાઇન કંપનીઓ અને તેમના દ્વારા સંચાલિત, માલિકીની અથવા ભાડે લીધેલી ફ્લાઇટ્સ માટે બંધ છે, જેમાં લશ્કરી ફ્લાઇટ્સનો પણ સમાવેશ થાય છે.
પાકિસ્તાને પણ આ પ્રતિબંધ લંબાવ્યો
૨૨ એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકોના મોત બાદ, ભારત સરકારે પાકિસ્તાન સામે ઘણા કડક પ્રતિબંધો લાદ્યા હતા અને હવાઈ ક્ષેત્ર બંધ કરવું પણ તે ર્નિણયોમાંનો એક હતો. ભારત દ્વારા પાકિસ્તાની વિમાનો માટે બંધ કરાયેલ એરસ્પેસ પહેલા ૨૪ મેના રોજ ખોલવાનું હતું, પરંતુ તેને એક મહિના માટે ૨૪ જૂન સુધી લંબાવવામાં આવ્યું હતું.
જ્યાં એક નવી નોટમ (એરમેનને સૂચના) જારી કરવામાં આવી હતી, જેમાં આ પ્રતિબંધ ૨૪ જુલાઈ, ૨૦૨૫ સુધી વધુ એક મહિના માટે લંબાવવામાં આવ્યો છે. નોટમ મુજબ, પાકિસ્તાનમાં નોંધાયેલા વિમાનો, પાકિસ્તાની એરલાઇન કંપનીઓ અને ઓપરેટરો દ્વારા સંચાલિત વિમાનો, પાકિસ્તાની કંપનીઓની માલિકીના અથવા ભાડે લીધેલા વિમાનો, લશ્કરી વિમાનો માટે ભારતીય એરસ્પેસ ઉપલબ્ધ રહેશે નહીં.
ભારતના આ ર્નિણયથી ગુસ્સે થયેલા પાકિસ્તાને ભારતીય વિમાનો માટે તેના એરસ્પેસ બંધ કરવાની મુદત પણ એક મહિના માટે લંબાવી દીધી છે. પાકિસ્તાને હવે ભારતીય વિમાનો માટે તેના એરસ્પેસનો ઉપયોગ કરવા પરનો પ્રતિબંધ ૨૪ જુલાઈ સુધી લંબાવી દીધો છે.
પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ, ભારત સરકારે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. ત્યારબાદ પાકિસ્તાને ૨૪ એપ્રિલના રોજ ૨૪ મે સુધી ભારત માટે તેના એરસ્પેસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, ભારતના ર્નિણયોને ધ્યાનમાં રાખીને, પાકિસ્તાન પણ આ પ્રતિબંધને ૧-૧ મહિના માટે લંબાવી રહ્યું છે.