Last Updated on by Sampurna Samachar
દેશ માટે રમવાની તેની અતૂટ ઇચ્છાએ ફરીથી તક આપી
ODI વર્લ્ડ કપ ફાઈનલ દરમિયાન પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (MOHHAMD SHAMI ) એ મોટો ખુલાસો કર્યો છે કે, પગની ઘૂંટીની ઈજા પછી એવી ક્ષણો આવી હતી જ્યારે તેને ડર હતો કે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી સમાપ્ત થઈ જશે. પરંતુ દેશ માટે રમવાની તેની અતૂટ ઇચ્છાએ તેને ફરીથી આગળ વધવાની પ્રેરણા આપી.

મોહમ્મદ શમીને નવેમ્બર ૨૦૨૩ માં ઓસ્ટ્રેલિયા સામેની ODI વર્લ્ડ કપ ફાઈનલ દરમિયાન પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી, જેના માટે સર્જરીની જરૂર હતી. મોહમ્મદ શમીના ડાબા ઘૂંટણમાં સોજાને કારણે વસ્તુઓ વધુ જટિલ બની ગઈ હતી અને તેને ૧૪ મહિના સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું.
મોહમ્મદ શમીએ ICC ને કહ્યું કે, વર્લ્ડકપ દરમિયાન મારા શાનદાર ફોર્મ પછી, મારે અચાનક મને ઓપરેશન ટેબલ પર જોવું પડ્યું. તે શાનદાર ફોર્મ પછી ઈજાગ્રસ્ત થવું ખરેખર ખૂબ મુશ્કેલ સમય હતો. પહેલા બે મહિનામાં મને ઘણી વાર શંકા હતી કે, હું ફરીથી રમી શકીશ કે નહીં. કારણ કે આવી ઈજા અને ૧૪ મહિના સુધી રમતમાંથી બહાર રહેવાથી તમારું મનોબળ તૂટી શકે છે. જોકે, મોહમ્મદ શમીએ આ મહિનાની શરૂઆતમાં ઈંગ્લેન્ડ સામે T૨૦ અને વધુ ODI મેચ રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સફળ વાપસી કરી છે. હવે જસપ્રીત બુમરાહની ઈજાને કારણે તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય બોલિંગનો લીડર છે.
મોહમ્મદ શમીએ કહ્યું કે, ડોક્ટરને મારો પહેલો સવાલ એ હતો કે, મને મેદાન પર પાછા ફરવામાં કેટલો સમય લાગશે. ડોક્ટરે મને કહ્યું કે, તેમની પ્રથમ પ્રાથમિકતા મને ચાલવા, પછી જાેગિંગ અને પછી દોડવાની છે. સ્પર્ધાત્મક ક્રિકેટ રમવું હજી ઘણું દૂર છે. એક સક્રિય ખેલાડીથી ક્રેચ પર ર્નિભર રહેવા દરમિયાન શમી માટે માનસિક રીતે શમી માટે પડકારજનક હતી.
મોહમ્મદ શમીએ કહ્યું કે, હું હંમેશા એ જ વિચારતો હતો કે હું ક્યારે મારા પગ જમીન પર રાખી શકીશ. મારા મનમાં અનેક પ્રકારના વિચારો આવતા હતા. ૬૦ દિવસ પછી જ્યારે મને મારા પગ જમીન પર મૂકવા માટે કહેવામાં આવ્યું તો તમે મારા પર વિશ્વાસ નહીં કરો, પરંતુ હું મારા પગ જમીન પર મૂકતા પહેલા ક્યારેય પણ ડર્યો ન હતો.
મોહમ્મદ શમીએ વધુમાં કહ્યું કે, એવું લાગ્યું કે જાણે હું ફરીથી શરૂઆત કરી રહ્યો છું, જેમ કોઈ બાળક ચાલવાનું શીખી રહ્યુ હોય. હું અમુક પ્રકારની મુશ્કેલીઓ આવવાને લઈ ચિંતિત હતો. આ દરમિયાન દેશ માટે ફરીથી રમવાની અદમ્ય ઇચ્છા શક્તિએ મને પ્રેરિત કર્યો.