Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાન ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટનનુ નિવેદન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. આ મેચ ૨૩ ફેબ્રુઆરીએ દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે. આ વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટન સલમાન અલી આગાએ આ મેચને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેમની ટીમ માટે કટ્ટર હરીફ ભારત સામે જીત કરતાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતવી વધુ મહત્વની છે. તેમના મતે જો તેમની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી નહીં જીતે તો ભારતને હરાવવાનો કોઈ અર્થ નથી.
PCB પોડકાસ્ટ પર બોલતા સલમાને કહ્યું કે ભારત સામે હારવું અને પછી ટાઈટલ જીતવું એ મોટી ઉપલબ્ધિ હશે. પાકિસ્તાન આ ટૂર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, જેણે છેલ્લે ૨૦૧૭ માં ટ્રોફી જીતી હતી. આગાએ વધુમાં કહ્યું, ‘પાકિસ્તાન-ભારતની મેચ સૌથી મોટી છે, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી જીતવી તેનાથી પણ વધુ મહત્ત્વપૂર્ણ છે. જો આપણે ભારતને હરાવીએ પણ ટુર્નામેન્ટ ન જીતીએ તો એ જીતનો કોઈ અર્થ નથી. જો આપણે ભારત સામે હારીએ પરંતુ ટ્રોફી જીતીએ તો તે એક મોટી ઉપલબ્ધિ હશે. અમારું લક્ષ્ય સારૃ પ્રદર્શન કરીને આ મેગા ઈવેન્ટ જીતવાનું છે.
તમને જણાવી દઈએ કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં સહ યજમાન પાકિસ્તાનનો સામનો ન્યૂઝીલેન્ડ સામે થશે. આખી ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલમાં યોજાઈ રહી છે, જ્યાં ભારત તેની તમામ મેચ દુબઈમાં રમશે. કારણ કે ભારત આ ટૂર્નામેન્ટમાં રમવા માટે પાકિસ્તાન જવા તૈયાર નહોતું.
ભારતે છેલ્લે ૨૦૦૮માં પાડોશી દેશનો પ્રવાસ કર્યો હતો, ત્યારબાદ રાજકીય તણાવને કારણે બંને દેશો માત્ર ICC ટુર્નામેન્ટમાં જ રમે છે. આગાએ કહ્યું કે લાહોરમાં પોતાના દર્શકોની સામે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવી તેમના માટે એક સ્વપ્ન સાકાર થશે.
તેમણે કહ્યું, ‘હું ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઉત્સાહિત છું અને પાકિસ્તાન માટે ICC ઇવેન્ટની યજમાની કરવી ખાસ છે. લાહોરના વતની તરીકે મારા વતનમાં ટ્રોફી ઉપાડવી એ એક સ્વપ્ન સાકાર થશે. પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટ જીતવાની ક્ષમતા ધરાવે છે.