રાસાયણિક ખાતરોના ઉપયોગને ઘટાડીને જૈવિક ખાતરો પૂરાં પાડવાના ઉદેશથી થયો કરાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
સમગ્ર ભારતમાં બાયોગેસ પ્લાન્ટ્સને વિસ્તારવા માટે સુઝુકી મોટર કોર્પોરેશનની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની સુઝુકી આર એન્ડ ડી સેન્ટર ઇન્ડિયા પ્રા. લિ. દ્વારા નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ- NDDB ની સાથે કરાર કરવામાં આવ્યો છે. આ કરાર મુજબ, SRDI NDDB ની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની NDDB મૃદા લિ.માં રોકાણ કરશે. NDDB અને એ SRDI ની સંયુક્ત ઉદ્યમ કંપની તરીકે મૃદા વિવિધ સ્વરૂપોમાં સ્વચ્છ ઊર્જા તથા છાણ આધારિત બાયોગેસ મોડેલ મારફતે રાસાયણિક ખાતરોના ઉપયોગને શક્ય એટલો ઘટાડીને જૈવિક ખાતરો પૂરાં પાડી બંને સંગઠનોના વિઝનને સાકાર કરશે તેવી અપેક્ષા છે.
NDDB ના ચેરમેન ડૉ. મીનેશ શાહએ સુઝુકી મોટર કૉર્પોરેશનના પ્રેસિડેન્ટ તોશિહિરો સુઝુકીનું સ્વાગત અને સન્માન કર્યું હતું. ડૉ.મીનેશ શાહએ જણાવ્યું હતું કે, ડેરી અને ઑટોમોબાઇલ ક્ષેત્ર વચ્ચે એક વિશિષ્ટ પ્રકારની સહભાગીદારી થઈ શકી છે. તેનાથી સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન આપીને સ્વચ્છ ઊર્જા અને જૈવિક ખાતરો ઉત્પાદિત કરવા માટે છાણના કાર્યક્ષમ રીતે ઉપયોગ મારફતે પશુપાલકો માટે વધુ મૂલ્યનું સર્જન થઈ શકશે.
તોશિહિરો સુઝુકીએ ડેરી સેક્ટરમાં એનડીડીબી દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવી હતી અને NDDB સાથે અને ખાસ કરીને બાયોગેસના ક્ષેત્રમાં સહભાગીદારીને આગળ વધારવામાં રસ દાખવ્યો હતો. તેમણે મૃદાને ભારતમાં બાયોગેસના સેક્ટરમાં એક દિગ્ગજ પ્લેયર બનાવવાની પરિકલ્પના વ્યક્ત કરી હતી.
SRDI ના ડિરેક્ટર કેનિચિરો તોયોફુકુ અને NDDB ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એસ.રાજીવએ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સુઝુકી મોટર કૉર્પોરેશનના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ કેનિચી આયુકાવા, અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ, મારુતિ સુઝુકી ઇન્ડિયા લિ.ના મેનેજિંગ ડિરેક્ટર હિસાચી તાકેઉચી, બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામ ચૌધરી, દૂધસાગર ડેરીના મેનેજિંગ ડિરેક્ટર ધીરજ ચૌધરી, પંચમહાલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર મિતેશ મહેતા, એનડીડીબીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એસ.રેગુપતિ તથા સુઝુકી મોટર કોર્પોરેશન, મારુતિ સુઝુકી ઇન્ડિયા લિ. અને NDDB ના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા