Last Updated on by Sampurna Samachar
આર્થિક વૃદ્ધિનો દર સતત ઊંચો રહેતાં યુવાનો માટે રોજગારીની તકો ઉભી કરે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
૭૬માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રને પોતાના સંબોધનમાં કહ્યું કે હું તમને બધાને પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ હૃદયપૂર્વક અભિનંદન આપું છું. રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે ભારત વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે બંધારણ ભારતીય તરીકેની આપણી સામૂહિક ઓળખનો આધાર પૂરો પાડે છે, તે આપણને એક પરિવાર તરીકે બાંધે છે.
તેમણે કહ્યું, “આ ઐતિહાસિક અવસર પર તમને બધાને સંબોધતા મને ખૂબ આનંદ થાય છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ, હું તમને બધાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આજથી ૭૫ વર્ષ પહેલાં, ૨૬મી જાન્યુઆરીના દિવસે ભારત ગણરાજ્યનો આધાર ગ્રથં એટલે કે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું.” રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, “આ વર્ષે, અમે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ. તેઓ એવા અગ્રણી સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના એક છે જેમની ભૂમિકાને હવે રાષ્ટ્રીય ઇતિહાસના સંદર્ભમાં યોગ્ય મહત્વ આપવામાં આવી રહ્યું છે.”
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે, “ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ એ માત્ર સૈદ્ધાંતિક ખ્યાલો નથી જે આપણને આધુનિક યુગમાં રજૂ કરવામાં આવ્યા છે. આ જીવન મૂલ્યો હંમેશા આપણી સભ્યતા અને સંસ્કૃતિનો એક ભાગ રહ્યા છે. ભારતના પ્રજાસત્તાક મૂલ્યોનું પ્રતિબિંબ છે. આપણી બંધારણ સભાની રચનામાં પણ જોવા મળે છે સૌથી નોંધપાત્ર બાબત એ છે કે સરોજિની નાયડુ, રાજકુમારી અમૃત કૌર, સુચેતા કૃપલાની, હંસાબેન મહેતા અને માલતી ચૌધરી જેવી ૧૫ અસાધારણ મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.”
રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતના ખેડૂતોએ સખત મહેનત કરીને દેશને અનાજ ઉત્પાદનમાં આર્ત્મનિભર બનાવ્યો છે. કામદાર ભાઈઓએ અથાક મહેનત કરી અને આપણા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરને નવજીવન આપ્યું. તેમના શાનદાર પ્રદર્શનના બળ પર, આજે ભારતીય અર્થતંત્ર વિશ્વના આર્થિક પરિદ્રશ્યને પ્રભાવિત કરી રહી છે.”
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ભારતનો આર્થિક વિકાસ દર આકાશને આંબી રહ્યો છે. તેમણે કહ્યું, “તાજેતરના વર્ષોમાં, આર્થિક વૃદ્ધિનો દર સતત ઊંચો રહ્યો છે, જે આપણા યુવાનો માટે રોજગારીની તકોનું સર્જન કરે છે, ખેડૂતો અને કામદારોના હાથમાં વધુ પૈસા મૂકે છે અને મોટી સંખ્યામાં લોકોને ગરીબીમાંથી બહાર કાઢે છે.
રાષ્ટ્રપતિએ રાષ્ટ્રને પોતાના સંબોધનમાં ડિજિટલ પેમેન્ટનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, “મલ્ટિપલ ડિજીટલ પેમેન્ટ વિકલ્પોની સાથે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની સિસ્ટમે સમાવેશને પ્રોત્સાહન આપ્યું છે, જેનાથી ઔપચારિક સિસ્ટમમાં અભૂતપૂર્વ પારદર્શિતા આવી છે.”
“રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું, ” આપણી સાસ્કૃતિક વિરાસતની સાથે આપણો લગાવ વધુ ઊંડો થયો છે. આ સમયે આયોજિત પ્રયાગરાજ મહાકુંભને તે સમૃદ્ધ વારસાની અસરકારક અભિવ્યક્તિ તરીકે જોઈ શકાય છે. આપણી પરંપરાઓ અને રીતિ-રિવાજોને સંરક્ષિત કરવામાં અને તેમાં નવી ઊર્જાનો સંચાર કરવા માટે સંસ્કૃતિ ક્ષેત્રમાં અનેક ઉત્સાહ જનક પ્રયાસ થઈ રહ્યા છે.